Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ભારત પરત ફરી રહ્યા છે તેવા હેવાલ ખોટા છે : જાકીર નાયક

મિડિયા અહેવાલોને જાકીરનો સ્પષ્ટ રદિયો : સુરક્ષિત ખટલા માટેની ખાતરી થશે નહીં ત્યાં સુધી ભારત પરત ફરશે નહીં : પ્રત્યાર્પણના અહેવાલનો ફગાવી દીધા

મુંબઈ, તા. ૪ : વિવાદાસ્પદ ધર્મગુરુ જાકીર નાયકે કહ્યું છે કે, જ્યાં સુધી ગેરવાજબી ખટલો ચલાવવાથી તેઓ સુરક્ષિત છે તેવો અનુભવ થશે નહીં ત્યાં સુધી તેઓ ભારત પરત ફરશે નહીં. જાકીર નાયકે એવા અહેવાલને રદિયો આપ્યો હતો કે તેઓ ભારત પરત ફરી રહ્યા છે. તેમના પીઆરઓ મારફતે જાકીર નાયકનું નિવેદન જારી કરવામાં આવ્યું છે. અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે, ઇસ્લામિક ધર્મગુરુ  જાકીર નાયકને મલેશિયાથી ભારત લાવવામાં આવી રહ્યા છે. જાકીર નાયકે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, તેમને ભારત લાવવામાં આવી રહ્યા છે તેવા અહેવાલો બિલકુલ આધારવગરના અને ખોટા છે. હાલમાં ભારત આવવાની તેમની કોઇપણ યોજના નથી. તેમણે એમ પણ કહ્યું છે કે, સુરક્ષિત ખટલો ચલાવવામાં આવશે ત્યારે જ તેઓ ભારત આવવા વિચારણા કરશે. જાકીર નાયકે ઉમેર્યું હતું કે, તેઓ ચોક્કસપણે તેમના વતન આપવવા માટે ઇચ્છુક છે. સરકાર વાજબીરીતે કાર્યવાહી કરશે તેવું લાગશે તો જ ભારત આવશે. ભારતમાં મની લોન્ડરિંગ અને ઘૃણાસ્પદ ભાષણ સહિત જુદા જુદા કેસોનો સામનો જાકીર નાયક કરી રહ્યા છે. ધરપકડને ટાળવા માટે છેલ્લા ઘણા સમયથી તેઓ વિદેશમાં રોકાયેલા છે. અગાઉ એવા અહેવાલ આવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. આતંકવાદી સંગઠનોને ફંડિંગ ઉપલબ્ધ કરાવવાના મામલામાં પણ આરોપોનો સામનો કરી રહ્યા છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ જાકીર નાયકની સામે વર્ષ ૨૦૧૭માં અપરાધિક કેસ દાખલ કર્યો હતો. જાકીર નાયકે એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં આ પ્રકારના અહેવાલોને આજે રદિયો આપ્યો હતો. વિદેશ મંત્રાલય દ્વારા આ વર્ષે જાકીરના પ્રત્યાર્પણને લઇને વિધિવતરીતે રજૂઆત કરવામાં આવી હતી. આના માટે રાજદ્વારી પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલી પણ રહ્યા છે. વિદેશ મંત્રાલયના સુત્રોએ કહ્યું હતું કે, જાકીર નાયકના પ્રત્યાર્પણના અહેવાલ આવ્યા હતા પરંતુ મલેશિયન વહીવટીતંત્ર તરફથી કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી.  બાવન વર્ષીય મેડિકલ ડોક્ટર જાકીર નાયક પર મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથીની દિશામાં લઇ જવા અને તેમને ઉશ્કેરવાનો આક્ષેપ છે. નાયકના એનજીઓ ઇસ્લામિક રિસર્ચ સામે પહેલાથી કઠોર પગલા લેવામાં આવી ચુક્યા છે. તેમની સામે કાર્યવાહી પણ થઇ ચુકી છે. આ ફાઉન્ડેશન ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ તેની ગતિવિધિ બંધ કરવામાં આવી ચુકી છે. જુલાઈ ૨૦૧૬માં જાકીર નાયક ધરપકડને ટાળવા માટે ભારતથી બહાર જતાં રહ્યા હતા. જ્યારે ઢાકા ત્રાસવાદી હુમલાના કેટલાક હુમલાખોરોએ એવો દાવો કર્યો હતો કે, તેઓ નાયકના નિવેદનથી પ્રેરિત હતા ત્યારે બાંગ્લાદેશમાં પીસ ટીવી ચેનલ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ ચેનલ ઉપર તેમના વિવાદાસ્પદ પ્રવચનો પ્રસારિત થતાં રહ્યા છે. નાયકે ઓસામા બિન લાદેનને પણ સમર્થન આપ્યું હતું.

(12:00 am IST)