Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ : ઘણા લોકોના મોત

૧૧ના મોતને સમર્થન : ૨૮ના મોતનો ભય: આગ ફાટી નિકળ્યા બાદ એક પછી એક બ્લાસ્ટ : રિપોર્ટ

હૈદરાબાદ,તા.૪: તેલંગાણાના વારાંગલ ગ્રામિણ જિલ્લામાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળતા ૧૧થી વધુ લોકોના મોત થયા છે. આ આગ અને બ્લાસ્ટની ઘટનામાં ૨૮થી વધુ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે પરંતુ ૧૧ના મોતને સમર્થન મળી રહ્યું છે. બપોરે ૧.૪૫ વાગે આ બનાવ બન્યો હતો. વારાંગલથી ૧૩૫ કિલોમીટરના અંતરે સ્થિત કોટાલિંગાલા ગામ નજીક આ બનાવ બન્યો હતો. તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાઓએ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનોને ૫ લાખ રૃપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે ઘાયલોની સારવાર માટેનો તમામ ખર્ચો સરકાર આપશે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, આસપાસના ઘરોની દીવાલોમાં પણ તિરાડો પડી ગઇ હતી. અકસ્માતના સમય ફેક્ટરીમાં ૫૦થી વધારે લોકો કામ કરી રહ્યા હતા. ૩ લોકો ગંભીર રીતે ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે. આગમાં હજુ બીજા પણ લોકો ફસાયેલા છે. આ ઘટના વારંગલના કોટિ લિંગલામાં આવેલા ભદ્રકાળી ફટાકડાના યુનિટમાં ઘટી હતી. આ અકસ્માતને કારણે પાંચ અન્ય જણા ઘાયલ થયા છે. ડેપ્યુટી ચીફ મિનિસ્ટર કાદિમ શ્રીહરિએ રિપોર્ટસને જણાવ્યું કે આગની જ્વાળાઓને શમાવવા માટે ૪ ફાયર ટેન્ડર્સ બોલાવવામાં આવ્યા છે. આગ પછી થયેલા બ્લાસ્ટમાં  ફેક્ટરીની ઇમારત ધરાશાયી થઇ હતી. માર્યા ગયેલા કર્મચારીઓના ફુરચેફુરચા ઉડી ગયા હતા. બ્લાસ્ટના લીધે આસપાસના રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોમાં ડર ફેલાઇ ગયો અને તેઓ સલામતી માટે ભાગ્યા હતા. વારંગલ રૃરલ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર એમ. હરિથાએ કહ્યું કે તે વિસ્તારના લોકોએ જણાવ્યું કે ૫૦થી ૬૦ કર્મચારીઓ આ યુનિટમાં કામ કરતા હતા અને બ્લાસ્ટ થયો હતો.

(8:59 am IST)