Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

વાર્ષિક હજ યાત્રા આ વર્ષે શક્ય થશે કે નહીં? :સાઉદી સરકારના નિર્ણય પર આધારિત રહેશે : કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી

સાઉદીના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આ વર્ષે રસીકરણ કરાયેલા લોકોને હજમાં સામેલ થવાની મંજુરી આપશે.

નવી દિલ્હી : કેન્દ્રીય લઘુમતી બાબતોનાં પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીને કહ્યું કે વાર્ષિક હજ યાત્રા આ વર્ષે શક્ય થશે કે નહીં તે હજી સ્પષ્ટ નથી થયું. તે સાથે જ, તેમણે કહ્યું કે હજ સંબંધિત અંતિમ નિર્ણય સાઉદી અરબની સરકારે લેવાનો છે.

સમાચાર એજન્સીનાં રિપોર્ટ મુજબ નકવીએ કહ્યું કે 'વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે સાઉદી સરકારનાં નિર્ણય સાથે ભારત ઉભું રહેશે.' એએનઆઈએ નકવીને ટાંકીને કહ્યું કે 'હજ યાત્રા સાઉદી અરબ સરકારના નિર્ણય પર આધારીત રહેશે. ગયા વર્ષે હજ યાત્રા રદ્દ થઇ હતી. આ વર્ષે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

સાઉદી અરેબીયાએ ગયા વર્ષે કોરોના વાયરસ રોગચાળો ફેલાતો અટકાવવા માટે બહારનાં યાત્રાળુઓને હજમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

મર્યાદિત સંખ્યામાં સ્થાનિક યાત્રાળુઓને હજ કરવાની મંજુરી હતી. આ પ્રકારનો પ્રતિબંધ એ તાજેતરના ઇતિહાસમાં સૌપ્રથમ હતો, જેને વિશ્વભરનાં મુસ્લિમો માટે સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાન માનવામાં આવે છે.

સાઉદી સ્ટેટ ન્યૂઝ એજન્સીએ રોઇટર્સને જણાવ્યું છે કે, "સાઉદી અરેબિયાએ વાયરસના ફેલાવાને રોકવા માટે 11 દેશો પર લાદવામાં આવેલા ટ્રાવેલ બાનને હળવો કર્યો છે. જો કે, હજું પણ ક્વોરેન્ટાઇનનાં નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ પહેલા માર્ચની શરૂઆતમાં, સાઉદીના આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે તે આ વર્ષે રસીકરણ કરાયેલા લોકોને હજમાં સામેલ થવાની મંજુરી આપશે.

(11:33 pm IST)