Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

બ્લેક ફંગસને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવા પ્રિયંકા ગાંધીની પીએમ મોદીને અપીલ

દર્દી માટે ઇન્જેક્શન મફ્તમાં ઉપલબ્ધ કરાવવા માંગણી: હવે બ્લેક ફંગસના દર્દીઓની સંખ્યા સત્તાવાર રીતે કેમ બતાવવામાં આવતી નથી?

નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન મોદીને અપીલ કરી છે કે, બ્લેક ફંગસની સારવારને આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવે. તેમણે વડાપ્રધાનને આગ્રહ કર્યો કે, આ જાનલેવા બીમારીના દર્દી માટે જરૂરી ઇન્જેક્શન મફ્તમાં ઉપલબ્ધ કરાવવામાં આવે. સાથે જ તેમણે સવાલ કર્યો કે, હવે બ્લેક ફંગસના દર્દીઓની સંખ્યા સત્તાવાર રીતે કેમ બતાવવામાં આવતી નથી?
  વડાપ્રધાનને અપીલ કરતાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, બ્લેક ફંગસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ ગંભીર બીમારીથી પીડિત દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતાં લાઇપોસોમાલ એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શન મળી રહ્યાં નથી. હમણાં દિલ્હીમાં સેનાના બે હોસ્પિટલોમાં ભરતી સૈનિકોને બ્લેક ફંગસની સારવારમાં ઉપયોગમાં લેવાતાં આ ઇન્જેક્શનની કમીની વાત સામે આવી હતી. સમયની માંગ છે કે, આ અંગે તમે તાત્કાલિક નિર્ણય લો, જેથી લોકોની જીવ બચાવી શકાય.

  પ્રિયંકાએ દાવો કર્યો કે, આ બીમારીને લઇને કેન્દ્ર સરકારનું વલણ તેની ગંભીરતા અનુરૂપ રહ્યું નથી. દર્દીઓની સંખ્યા પ્રમાણે રાજ્યોને ઉપલબ્ધ કરાયેલા ઇન્જેક્શનની સંખ્યા ઘણી ઓછી છે. દેશમાં 22 મે સુદી આ બીમારીથી પીડિત દર્દીઓની સંખ્યા 8848 બતાવવામાં આવી હતી. જે બાદ 25 મેના રોજ દર્દીની સંખ્યા 11717 થઇ ગઇ. માત્ર ત્રણ દિવસમાં 2869 દર્દી વધ્યા. બ્લેક ફંગસ જેવી બીમારીને લઇને બેદરકારી કરી શકાય નહીં.

પ્રિયંકાએ કહ્યું કે, બ્લેક ફંગસની સારવારમાં ઇન્જેક્શન પર જ લાખો રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે. આ ઇન્જેક્શન હમણાં આયુષ્માન યોજના હેઠળ પણ કવર થતાં નથી. મારો તમને આગ્રહ છે કે આ બીમારીની સારવાર આયુષ્માન યોજના હેઠળ લાવવામાં આવે અથવા આ ઇન્જેક્શનની સપ્લાય દર્દીઓને મફ્ત કરવામાં આવે.

(11:42 am IST)