Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

પીએમ મોદીએ રસીકરણ અભિયાનની પ્રગતિની સમીક્ષા કરી : બેઠકમાં રસીનો બગાડ ઓછો કરવા પર ભાર મુક્યો

અધિકારીઓએ રસીકરણ કવાયતના વિવિધ પાસાઓ અંગે વિગતવાર પ્રેઝન્ટેઝન રજૂ કર્યું

નવી દિલ્હી :વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આજે ભારતમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં થયેલી પ્રગતિની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ રસીકરણ કવાયતના વિવિધ પાસાઓ અંગે વિગતવાર પ્રેઝન્ટેઝન રજૂ કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ રસીનો બગાડ ઓછો કરવા પર ભાર મૂક્યો હતો.

રસીકરણ અભિયાન માં થયેલી પ્રગતિની સમીક્ષા બેઠકમાં અધિકારીઓએ વડાપ્રધાન મોદીને હાલમાં રસીની ઉપલબ્ધતા અને તેમાં વધારો કરવા માટેની ભાવિ રૂપરેખાની માહિતી આપી હતી.

વિવિધ રસી ઉત્પાદકોને ઉત્પાદનમાં વધારો કરવામાં મદદરૂપ થવા માટે લેવામાં આવેલા વિવિધ પગલાં વિશે પણ તેમને માહિતી આપવામાં આવી હતી. ભારત સરકાર રસીના ઉત્પાદકો સાથે સક્રીય રીતે કામ કરી રહી છે અને તેમને ઉત્પાદન એકમો વધારવાની સુવિધા આપવા, નાણાકીય સહાય કરવા અને કાચા માલના પૂરવઠાના સંદર્ભમાં મદદ કરી રહી છે.

વડાપ્રધાન મોદીએ આરોગ્ય  કર્મચારીઓ તેમજ ફ્રન્ટ લાઈન વર્કર્સના રસીકરણ કવરેજની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે 45 વર્ષથી વધારે ઉંમરના તેમજ 18 થી 45 વર્ષ સુધીના વયજૂથમાં લોકોના રસીકરણની સ્થિતિ પણ જાણી હતી. વડાપ્રધાને વિવિધ રાજ્યોમાં રસીકરણ કવરેજની સ્થિતિ વિશે પણ માહિતી મેળવી હતી. વડાપ્રધાન મોદીએ નિર્દેશો આપ્યા હતા કે, રસીના બગાડની સંખ્યા હજુ પણ વધારે છે અને તેને ઘટાડવા માટે પગલાં લેવાની જરૂર છે.

રસીકરણ અભિયાનમાં થયેલી પ્રગતિની સમીક્ષા બેઠકમાં અધિકારીઓએ રસીકરણની પ્રક્રિયા લોકો માટે વધુ અનુકૂળ બનાવવા માટે ટેકનોલોજીના મોરચે લેવામાં આવેલા વિવિધ પગલાં વિશે વડાપ્રધાન મોદી6ને માહિતી આપી હતી.

અધિકારીઓએ વડાપ્રધાનને માહિતી આપી હતી કે, રાજ્યોને રસીની ઉપલબ્ધતા અંગે આગોતરી માહિતી આપવામાં આવે છે. તેમણે વડાપ્રધાનને એવી પણ માહિતી આપી હતી કે, આ માહિતી જિલ્લા સ્તર સુધી પહોંચડવા માટે રાજ્યોને કહેવામાં આવ્યું છે જેથી લોકોને કોઇપણ પ્રકારે અગવડ પડે નહીં.

(9:13 am IST)