Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

એક શિક્ષિકાએ ઘણી શાળામાં કામ કરી ૧ કરોડ ઘર ભેગા કર્યા

પ્રાથમિક શિક્ષણ બોર્ડમાં ગેરરીતિ સામે આવી : રાજ્ય સરકારે મામલાની પુષ્ટી નહીં થઈ હોવાનું જણાવ્યું, પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈઃ શિક્ષિકા હાલ ફરાર

લખનઉ, તા. ૫ : ઉત્તર પ્રદેશમાં મહિલા શિક્ષકની ૨૫ જગ્યાઓ પર ભણાવવાના મામલે અને ૧૩ મહિના દરમિયાન એક કરોડ રૂપિયાની આવકના મામલે ઉત્તર પ્રદેશ સરકારે સ્પષ્ટતા કરી છે. સરકારે શુક્રવારે કહ્યું કે *હજી સુધી આ બાબતે કોઈ પુષ્ટી થઈ નથી.*. અત્રે ઉલ્લેખનીય છે કે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) ના ૨૫ સ્થળોએ મહિલા શિક્ષિકાની ભરતી અને પગાર વધારવાનો મામલો સામે આવ્યો છે. સ્કૂલ એજ્યુકેશનના ડાયરેક્ટર જનરલ વિજય આનંદે જણાવ્યું હતું કે, *મીડિયામાં આવેલા અહેવાલોને પગલે પ્રાથમિક શિક્ષણના એડિશનલ ડાયરેક્ટરને આ કેસની તપાસના આદેશ આપ્યા છે.* હજુ સુધી આ બાબતે કોઈ સમર્થન મળ્યું નથી. એક શિક્ષકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, તે હવે ફરાર છે. એવું કહેવામાં આવે છે કે તેને એક કરોડનો પગાર ચૂકવવામાં આવ્યો હતો.

             તે સાચું નથી. હજી સુધી આવી કોઈ વાતની પુષ્ટિ થઈ નથી. તેમણે કહ્યું, 'આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જો આક્ષેપો સાચા હોવાનું જાણવા મળે તો એફઆઈઆર દાખલ કરવામાં આવશે. પૈસા શિક્ષકના બેંક ખાતામાં ટ્રાન્સફર થયા નથી. વિભાગીય અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. જો કોઈ શિક્ષક અન્ય શાળાઓમાં છેતરપિંડીથી કામ કરવાની માહિતી મળે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે મૈનપુરીની રહેવાસી અનામિકા શુક્લા નામની એક શિક્ષિકાનું પોસ્ટિંગ પ્રયાગરાજ, આંબેડકરનગર, અલીગ, સહારનપુર, બાગપત અને અન્ય જિલ્લાઓની કેજીબીવી શાળાઓમાં મળી આવ્યું છે. આ શાળાઓમાં શિક્ષકોની નિમણૂક કરાર ધોરણે થાય છે અને દર મહિને ૩૦ હજાર રૂપિયા પગાર મળે છે. ૧૩ મહિના દરમિયાન શિક્ષક પર ૧ કરોડ રૂપિયા કમાવવાનો આરોપ મૂકાયો છે. આ ગેરરીતિ શિક્ષકોનો ડેટાબેસ તૈયાર કરતી વખતે બહાર આવી હતી. યુ.પી.ની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની હાજરીનું રીઅલ ટાઇમ મોનિટરિંગ કરવા છતાં, અનામિકા શુક્લા નામની આ શિક્ષિકા આમ કરવામાં સફળ રહ્યાં.

(7:56 pm IST)