Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ભા.જ.પા. કા વાર, અબ કી બાર, ફીર વિપક્ષ કો માર

ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું રાજીનામુઃ કોંગ્રેસની ભૂંડી દશા

કોંગ્રેસના હાથમાંથી રાજ્યસભાની બીજી બેઠક જીતવાની તક સરકી ગઈઃ ધારાસભાની ૮ બેઠકોની પેટાચૂંટણી આવશે : કોંગ્રેસમાં રહીને પ્રજાની સેવા કરવા માટે અસમર્થ હોવાનુ જણાવી મેરજાએ ગઈરાત્રે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામુ સુપ્રત કર્યુઃ ફરી ટીકીટ માટે ભાજપનું વચન મળ્યાની ચર્ચાઃ ભાજપ-કોંગીના સામસામા આક્ષેપોનો સીલસીલો

રાજકોટ તા. ૫ : . રાજ્યસભાની ૪ બેઠકોની ચૂંટણી ટાણે ભાજપે ૩ બેઠકો જીતવા કોંગ્રેસ પર ઘા કરવાનું ચાલુ કરેલ તે આગળ વધાર્યું છે. ગઇકાલે કપરાડા અને કરજણના ધારાસભ્યએ રાજીનામુ આપ્યા બાદ આજે કોંગ્રેસના મોરબી - માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પણ રાજીનામુ ફગાવતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના હાથમાંથી બે બેઠકો મેળવવાની તક સરકી ગઇ છે. જ્યારે ભાજપના બે ઉમેદવારો અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા ઉપરાંત ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનની જીત નિશ્ચિત બની ચૂકી છે. ઉપરાઉપરી ફટકાથી કોંગ્રેસની હાલત એકદમ કફોડી થઇ ગઇ છે. બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાં રહીને પ્રજાની સેવા કરવા પોતે સમર્થ ન હોવાનું જણાવી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને પોતાનો પક્ષમાંથી રાજીનામા પત્ર મોકલી આપેલ. ત્યાર બાદ ગઈરાત્રે ગાંધીનગરમાં વિધાનસભાના અધ્યક્ષના બંગલે જઈને ધારાસભ્ય પદેથી રાજીનામુ અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીને સુપ્રત કર્યુ હતું. 

બ્રિજેશ મેરજા વર્ષોથી કોંગ્રેસમાં સક્રિય હતા. ભૂતકાળમાં રાજ્યના ૧૨ પ્રધાનોના પીએ કે પીએસ તરીકે રહી ચૂકયા છે. સંગઠન અને વહિવટી ક્ષેત્રના અનુભવી આગેવાન છે. પોતાના મત વિસ્તારમાં સતત સક્રિય રહ્યા છે. વહિવટી તંત્ર પાસેથી કામ લેવાની તેમની આવડત છે. પાટીદાર સમાજમાં પણ તેમની સારી પ્રતિભા છે. ૨૦૧૭થી ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા સામે વિજેતા બન્યા હતા. તેમનું રાજીનામુ અને ભાજપ પ્રવેશ કોંગ્રેસ માટે મોટી ખોટ અને મોટા ઝાટકા સમાન છે. ગઈકાલની જેમ આજે પણ રાજીનામાના પગલે ભાજપ-કોંગ્રેસે સામસામા આક્ષેપો કર્યા છે. ભાજપ ધારાસભ્યોને ખરીદી રહ્યાનો કોંગ્રેસનો આક્ષેપ છે. જ્યારે કોંગ્રેસ પોતાના સભ્યોને સાચવવામાં નિષ્ફળ ગયાનો ભાજપનો આક્ષેપ છે.

રાજ્યસભાની ચૂંટણી માર્ચમાં જાહેર થઇ તે વખતે કોંગ્રેસના ૫ ધારાસભ્યોએ રાજીનામા આપેલ. ગઇકાલે વધુ બે ધારાસભ્યોએ રાજીનામા આપેલ. આજે બ્રિજેશ મેરજાએ પણ રાજીનામુ આપી દેતા ધારાસભાની ૮મી બેઠક ખાલી પડી છે. બેઠક ખાલી પડે પછી ૬ મહિનામાં પેટા ચૂંટણી આવવા પાત્ર હોય છે. બ્રિજેશ મેરજાને ફરી ટિકિટ આપવાનું વચન અપાયાનું કહેવાય છે. ભવિષ્યમાં તેમનો રાજ્ય મંત્રી મંડળમાં સમાવેશ થવાની સંભાવના નકારાતી નથી.

મેરજાના રાજીનામાથી જિલ્લા પંચાયતમાં નવા પ્રભારી આવશે

રાજકોટઃ કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારા ધારાસભ્ય બ્રિજેશ મેરજા જિલ્લા પંચાયતના કોંગ્રેસના પ્રભારી હતા. તેમના પક્ષ પરિવર્તનથી હવે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે નવા પ્રભારી મુકવા પડશે. અગાઉ જિલ્લા પંચાયતનો કોંગીનો હવાલો સંભાળનાર જવાહર ચાવડા પણ ભાજપમાં જોડાઈ ગયા છે.(૨-૨૦)

(3:40 pm IST)