Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

આજે છાયા ચંદ્રગ્રહણ : ૩ કલાક ૧૮ મીનીટની અવધી

ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા ટેલીસ્કોપથી નિદર્શનની વ્યવસ્થાઃ નરી આંખે પણ નિહાળી શકાશે : રાત્રે ૧૧ વાગ્યાથી પ્રારંભ

રાજકોટ તા. ૫ : આજે તા. પ ના શુક્રવારની રાત્રીના ૧૧ વાગ્યા પછી છાયા ચંદ્રગ્રહણનો નજારો ભારત સહિત વિશ્વના અન્ય કેટલાક દેશોમાં જોવા મળશે. તેમ ભારત જન વિજ્ઞાન જાથાની યાદીમાં જણાવાયુ છે.

ભારતમાં નરી આંખે આ છાયા ચંદ્રગ્રહણ નિહાળી શકાશે. જેની અવધી ૩ કલાક અને ૧૮ મીનીટની હશે. વિજ્ઞાન જાથા દ્વારા રાજયભરમાં ગ્રહણ નિદર્શન અર્થે ટેલીસ્કોપની વ્યવસ્થા કરાઇ છે. સાથો સાથ નકારાત્મક વિચારોના ખંડન અર્થે ચા-નાસ્તાની વ્યવસ્થા પણ કરાઇ છે. કહેવાતા ફળ કથનોની હોળી કરી લોકોને સાચી સમજણ આપવા વિજ્ઞાન જાથાની કચેરી દ્વારા આયોજન કરાયુ હોવાનું જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાની યાદીમાં જણાવેલ છે.

તેમણે જણાવેલ છે કે પૃથ્વી ઉપર હજારો ચંદ્રગ્રહણ-સુર્યગ્રહણ પસાર થઇ ગયા છે. આ ગ્રહણ એ માત્ર ખગોળીય ઘટના છે. માનવીય કર્મકાંડ, ક્રિયાકાંડો, વૈદ્યાદિ નિયમો સુતક બુતક વગેરે બધુ લેભાગુઓએ ઉભી કરેલી હંબંગ વાતો છે. મંદિરો બંધ રાખવા, ગોળાનું પાણી ફેંકી દેવું, રાંધેલુ અનાજ, પથારીનો ત્યાગ કરવો વગેરે બોગસ કહાનીઓને ગ્રહણ સાથે કોઇ લેવા દેવા નથી.

જાથા દ્વારા જનજાગૃતિ સાથે ગ્રહણ અવલોકન કાર્યક્રમો જિલ્લા મથકો રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, છોટા ઉદેપુર, ડાંગ, આહવા, ગોધરા, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડીયાદ, હિંમતનગર, માણસા, રાજપીપળા, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ ભુજ, જામનગર, દેવભુમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, જુનાગઢ, અમરેલી, બોટાદ, તાપી, વ્યારા, મહીસાગર લુણાવાડા, ડીસા, ગાંધીધામ, અંજાર, ધોરાજી, ઉપલેટા, કેશોદ, મહુવા, કુંકાવાદ, બાબરા, લીંબડી સહીતના અનેક તાલુકા મથેક યોજવામાં આવશે.

જાથાના ઉમેશ રાવ, અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, વિનોદ વામજા, રાજુભાઇ યાદવ, જસદણના હસમુખ ગાંધી, અરવિંદ પટેલ, વિનુભાઇ લોદરીલયા, મોરબીના રૂચીર કારીઆ, ગૌરવ વારીઆ, ભુજના શૈલેષ શાહ, અંજારના એસ. એમ. બાવા, મથલના હસુેન ભાઇ ખલીફા, સુરતના મગનભાઇ પટેલ, રાજકોટના મુકેશભાઇ પટેલ, પ્રમોદ પંડયા, નિનર્ભય જોષી, કિશોરગીરી ગોસાઇ, તુષાર રાવ, હરેશ ભટ્ટ, વગેરે આ વ્યવસ્થામાં સહભાગી બની રહ્યા છ. વધુ માહીીતી માટે મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ :પર સંપર્ક કરી શકાશે. તેમ જયંતભાઇ પંડયાની યાદીમાં જણાવાયુ છે.

(11:29 am IST)