Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

જિયો પ્લેટફોર્મ્સે છ અઠવાડિયામાં દુનિયાનાં ટોચના રોકાણકારો પાસેથી રૂ. ૮૭,૬૫૫.૩૫ કરોડનું ફંડ મેળવ્યું

જિયો પ્લેટફોર્મ્સમાં મુબાદલા રૂ. ૯,૦૯૩.૬૦ કરોડનું રોકાણ કરશે : આ રોકાણ ભારતને વિશ્વનું અગ્રણી ડિજિટલ નેશન બનાવવાના જિયોનાં વિઝનને વધુ વેગ આપશેઃ મુકેશ અંબાણી

જામનગર, તા. પ :  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ) અને ભારતની અગ્રણી ડિજિટલ સર્વિસીસ પ્લેટફોર્મ જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (જિયો પ્લેટફોર્મ્સ)એ આજે જાહેરાત કરી હતી કે, અબુ ધાબીનું સરકારી ફંડ મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપની (મુબાદલા) જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. ૯,૦૯૩.૬૦ કરોડનું રોકાણ કરશે. આ રોકાણથી મુબાદલાને જિયો પ્લેટફોર્મ્સમાં સંપૂર્ણ ડાઇલ્યુટેડ આધારે ૧.૮૫ ટકા ઇકિવટી હિસ્સો મળશે. આ રીતે જિયો પ્લેટફોર્મ્સનું ઇકિવટી મૂલ્ય રૂ. ૪.૯૧ લાખ કરોડ અને એન્ટરપ્રાઇઝ મૂલ્ય ૫.૧૬ લાખ કરોડ થયું છે.

આ રોકાણ સાથે જિયો પ્લેટફોર્મે છ અઠવાડિયાથી ઓછા ગાળામાં અગ્રણી ગ્લોબલ ટેકનોલોજી અને ગ્રોથ રોકાણકારો પાસેથી કુલ રૂ. ૮૭,૬૫૫.૩૫ કરોડનું ફંડ ઊભું કર્યું છે, જેમાં ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા ઇકિવટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક, કેકેઆર અને મુબાદલા સામેલ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ અદ્યતન ટેકનોલોજી પ્લેટફોર્મ છે, જે આખા ભારતમાં ૩૮૮ મિલિયન સબસ્ક્રાઇબરને ઉચ્ચ ગુણવત્ત્।ાયુકત અને વાજબી ડિજિટલ સેવાઓ પ્રદાન કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે. જિયો પ્લેટફોર્મ્સે બ્રોડબેન્ડ કનેકિટવિટી, સ્માર્ટ ઉપકરણો, કલાઉડ અને એજ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલીટિકસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ અને મિકસ્ડ રિયાલિટી અને બ્લોકચેઇન દ્વારા એની સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. જિયોનું વિઝન ૧.૩ અબજ લોકો અને દેશના તમામ વ્યવસાયોને ડિજિટલ માધ્યમો દ્વારા વ્યવહાર કરવાની સુવિધા આપવાનો છે, જેમાં નાનાં વેપારીઓ, નાનાં વ્યવસાયો અને ખેડૂતો સામેલ છે, જેથી આ તમામ વર્ગો સર્વસમાવેશક વૃદ્ઘિનો લાભ મેળવી શકે.

આ અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, મને ખુશી છે કે, સૌથી વધુ બાહોશ અને ગ્લોબલ ગ્રોથ રોકાણકારો પૈકીના એક મુબાદલાએ ભારતને વિશ્વનું અગ્રણી ડિજીટલ રાષ્ટ્ર

બનાવવા ડિજિટલ વૃદ્ઘિને વેગ આપવાની અમારી સફરમાં અમારી સાથે જોડાણ કરવાનો નિર્ણય લીધો છે. અબુ ધાબી સાથે લાંબા ગાળાના જોડાણ દ્વારા મેં અંગત રીતે યુએઇના નોલેજ-આધારિત અર્થતંત્રને વિવિધતાસભર બનાવવામાં અને એને આંતરરાષ્ટ્રીય સ્તરે જોડવામાં મુબાદલાની કામગીરીની અસર જોઈ છે. મુબાદલાએ દુનિયામાં વિકાસની સફરને વેગ આપ્યો છે. એના આ અનુભવ અને જાણકારીમાંથી લાભ લેવા અમે આતુર છીએ.

મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપનીનાં મેનેજિંગ ડાયરેકટર અને ગ્રૂપ સીઇઓ ખલ્દૂન અલ મુબારકે કહ્યું હતું કે, ઙ્કઅમે ઊંચી વૃદ્ઘિ ધરાવતી કંપનીઓ સાથે સક્રિયપણે કામ કરવા અને એમાં રોકાણ કરવા પ્રતિબદ્ઘ છીએ, જેણે ગંભીર પડકારો ઝીલ્યાં છે અને નવી તકોનું સર્જન કરવા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. અમે જોયું છે કે, જિયોએ ભારતમાં સંચાર અને જોડાણના ક્ષેત્રમાં પરિવર્તનનો પવન ફૂંકયો છે. એક રોકાણકાર અને પાર્ટનર તરીકે અમે ભારતની ડિજિટલ વિકાસની સફરને ટેકો આપવા પ્રતિબદ્ઘ છીએ. જિયોના રોકાણકારો અને પાર્ટનર્સના નેટવર્ક સાથે અમારું માનવું છે કે, પ્લેટફોર્મ કંપની ડિજિટલ અર્થતંત્રના વિકાસને વધુ વેગ આપશે.

મુબાદલા વૈશ્વિક વૃદ્ઘિને વેગ આપતા અને ગંભીર પડકારો ઝીલવતા તમામ ક્ષેત્રોમાં રોકાણ કરે છે અને એમાં સામેલ થાય છે, જેના પરિણામે અબુ ધાબીનું અર્થતંત્ર વિવિધતાસભર, આંતરરાષ્ટ્રીય સંકલિત અર્થતંત્ર બન્યું છે. આ રોકાણનું મહત્ત્વપૂર્ણ પાસું પરિવર્તનકારક ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીમાં રોકાણ કરવાનું છે, જેમાં કોગ્નિટિવ કમ્પ્યુટિંગ, આઇસીટી ઇન્ફ્રાસ્ટ્રકચર, ટેલીકોમ અને સેટેલાઇટ કામગીરી સામેલ છે.

ઇનોવેશન અને ટેકનોલોજીમાં પોતાની પ્રતિબદ્ઘતાને વધારવા મુબાદલાએ વર્ષ ૨૦૧૭માં એની વેન્ચર કંપની સ્થાપિત કરી હતી, જે દૂરંદેશી સ્થાપકો સાથે જોડાણ કરે છે અને ઇનોવેટિવટ બિઝનેસને ટેકો આપે છે. અત્યારે મુબાદલોનો વેન્ચર બિઝનેસ અમેરિકા, યુરોપ અને મધ્ય પૂર્વમાં કેટલાંક વેન્ચર ફંડનું મેનેજમેન્ટ કરે છે.

અત્યારે મુબાદલાનો પોર્ટફોલિયો અદ્યતન ઉત્પાદન, સેમિકંડકટર્સ, ધાતુઓ અને ખાણકામ, ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ટેકનોલોજી, રિન્યૂએબલ એનર્જી અને યુટિલિટીઝ તથા વિવિધતાસભર ફાઇનાન્સિયલ હોલ્ડિંગ્સનું મેનેજમેન્ટ કરે છે.

આ નાણાકીય વ્યવહાર નિયમનકારી અને અન્ય કાયદેસર મંજૂરીઓને આધિન છે. આ વ્યવહારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ફાઇનાન્સિયલ એડવાઇઝ મોર્ગન સ્ટેન્લી છે તથા કાયદેસર સલાહકાર એઝેડબી એન્ડ પાર્ટનર્સ તથા ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલ છે.

(12:47 pm IST)