Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

દેશના ૭૨ ટકા નાના ઉદ્યોગો છટણી કરવાની તૈયારીમાં

૭૨ ટકા એમએસએમઈનું કહેવુ છે કે કામકાજ સારી રીતે ચલાવવા માટે છટણી સિવાય બીજો કોઈ વિકલ્પ નથીઃ માત્ર ૧૪ ટકા છટણી વગર કામકાજ શરૃ કરવા સક્ષમ : ૪૨ ટકા ઉદ્યોગોનું કહેવુ છે કે આગળ કામ ચાલુ રાખવા માટે તેઓએ વર્કફોર્સમાં કાપ મુકવો પડશેઃ નાના ઉદ્યોગોને જૂનુ પેમેન્ટ મળતુ નથી, નવા ઓર્ડર મળતા નથી અને હપ્તા ચૂકવવા પડે છે

નવી દિલ્હી, તા. ૫ :. દેશની ૭૨ ટકા જેટલી એમએસએમઈનું કહેવુ છે કે કામકાજને સારી રીતે ચલાવવા માટે તેઓએ નિશ્ચિત રીતે છટણી કરવી પડશે. માત્ર ૧૪ ટકા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો એવા છે જેમનુ કહેવુ છે કે તેઓ છટણી કર્યા વગર કામકાજ આગળ વધારશે. ઓલ ઈન્ડીયા મેન્યુફેકચરર્સ એસો. અને ૯ અન્ય ઔદ્યોગીક સંગઠનો તરફથી સંયુકત રીતે હાથ ધરવામાં આવેલા સર્વેમાં આ બાબત સામે આવી છે.

આ સિવાય કોર્પોરેટ જગતમાં ૪૨ ટકા ઉદ્યોગોએ કહ્યુ છે કે આગળ કામ ચાલુ રાખવા માટે તેઓએ વર્કફોર્સમા ઘટાડો કરવો પડશે. માત્ર ૧૮ ટકા કંપનીઓ એવી છે જેમણે વર્તમાન વર્કફોર્સની સાથે કામ કરવાની વાત જણાવી છે.

આ સર્વેમાં એમએસએમઈ સેકટર, સેલ્ફ એમ્પ્લોઈડ અને કોર્પોરેટ સીઈઓ જેવા ૪૬૫૨૫ લોકોએ ભાગ લીધો હતો. ૨૪ મેથી ૩૦ મે દરમિયાન થયેલા આ સર્વેમાં જણાવાયુ હતુ કે લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પગાર ચૂકવવાના સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય જૂનુ લ્હેણુ ચૂકવવા, નવા ઓર્ડર મેળવવા અને ઈએમઆઈ ચૂકવવાને લઈને પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

સર્વે અનુસાર ૩૨ ટકા ઉદ્યોગોને પગાર ચૂકવવાની ચિંતા છે. આ સિવાય ૨૦ ટકાનું કહેવુ છે કે વર્તમાન મેનપાવર સાથે તેઓને કામ કરવાનુ મોંઘુ પડશે. ૧૫ ટકાએ નવા ઓર્ડરમાં ઘટાડો થવા અને એટલા જ લોકોએ કાચા માલની ઉપલબ્ધતાને લઈને ચિંતા જણાવી છે.

આ સિવાય સેલ્ફ એમ્પ્લોઈડ લોકોની વાત કરીએ તો તેઓની સૌથી મોટી ચિંતા હપ્તા ચૂકવવાની છે. આમાથી ૩૬ ટકાનું કહેવુ છે કે અગાઉ થયેલા કામના પેમેન્ટ મેળવવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય નવા ઓર્ડર પણ આવતા નથી. જે મળે છે તેના માટે વ્યાજબી ભાવ નથી મળતા કે જેનાથી લાભ થઈ શકશે. અન્ય એક સર્વે અનુસાર ૭૦ ટકા રોજગાર દિલ્હી, ગુજરાત, રાજસ્થાન અને પૂણેમાં છીનવાયેલ છે.

(10:41 am IST)