Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

વિશ્વમાં રોજ ૧ લાખ નવા કેસ નોંધાય છે

કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે

નવી દિલ્હી તા. ૫ : ભારત સહિત વિશ્વભરમાં પહેલા કરતા કોરોનાના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. હવે વર્લ્ડવાઈડ દરરોજ ૧૦૦૦૦૦થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સના ડેટાબેઝ મુજબ બે સપ્તાહમાં ઘણા દેશોમાં બે વખત નવા કેસોની સંખ્યા વધી છે અને ઘટાડો પણ થયો છે. ૩૦મી મેના રોજ વિશ્વભરમાં એક દિવસમાં પહેલા કરતા ૧૩૪,૦૬૪ કેસ નોંધાયા હતા. લેટિન અમેરિકા, આફ્રિકા, એશિયા અને પૂર્વ-મધ્યના હોટસ્પોટ વિસ્તારોમાંથી નવા કેસોમાં વધારો જોવા મળ્યો છે. જણાવી દઈએ કે, અત્યાર સુધી વિશ્વભરમાં કોરોના વાયરસના ૬૪ લાખથી વધુ કેસો નોંધાયા છે. તેમાંથી ૩.૮૩ લાખ કરતા વધુ લોકોના મૃત્યુ થયા છે.

લેટિન અમેરિકા, બ્રાઝિલ અને મેકિસકોમાં બુધવારે દરરોજ કોરોના વાયરસથી થતા રેકોર્ડ મોતની સંખ્યા જાહેર કરવામાં આવી હતી. મેકિસકોમાં દરરોજ ૧૦૦૦થી વધુ લોકોના મોત, જયારે બ્રાઝિલે રેકોર્ડ ૧૩૪૯ નવા મોતની પુષ્ટિ કરી છે. એક લાખથી વધુ કોરોના વાયરસના કેસો ધરાવતા દેશોમાં મેકિસકો ૧૪માં સ્થાને પહોંચી ગયું છે.

એશિયામાં પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોના વાયરસના ૮૫,૨૬૪ કન્ફર્મ કેસો નોંધાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, કોરોનાના કેસ મામલે પાકિસ્તાન ચીન કરતા આગળ નીકળી ગયું છે. અમેરિકામાં બુધવારે કોરોનાના લગભગ ૨૦ હજાર જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. યુકેમાં ટ્રાન્સપોર્ટ સેક્રેટરી દ્વારા ઈંગ્લેન્ડમાં ૧૫ જૂનથી ફેસ કવરિંગ ફરજિયાત રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ફ્રાન્સે લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને ૧૪ જુલાઈના રોજ બેસ્ટિલ ડે માટેની મિલિટ્રી પરેડ રદ કરી છે. તમામ પ્રયાસો છતાં ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ઓછી થતી નથી. સરકારના જણાવ્યા અનુસાર, કોવિડ -૧૯થી દેશમાં ૬,૦૭૫ લોકોનાં મોત નીપજયાં છે. ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ૨૧૬,૯૧૯ થઈ ગઈ છે. રાહતથી વાત એ છે કે અત્યાર સુધી દેશભરમાં ૧૦૪,૧૦૭ દર્દીઓને હોસ્પિટલની સારવાર બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.(

(10:40 am IST)