Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

૧૦૦ યુનિટ માફીમાં જીઇબીને ૬૫૦ કરોડનો ફટકોઃ ૯૮ લાખ ગ્રાહકોને ફાયદોઃ એડવાન્સ પૈસા ભર્યા તેમને ક્રેડીટ

જો સરકાર વીજ બોર્ડને સમયસર પૈસા નહી આપે તો બોર્ડમાં આર્થિક કટોકટી ઉદ્ભવશેઃ અગાઉની ૩ હજાર કરોડની સબસિડીની રકમ બાકી છે : એસટીને ૧૨૦ કરોડ અપાતા કંઇક રાહત

રાજકોટ તા. ૫ : રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૃપાણીએ ૬ કરોડની જનતા માટે ૧૪ હજાર કરોડ રાહત પેકેજની જાહેરાત કરી તેમાં મહિને જેમને ૨૦૦ યુનિટથી ઓછું બીલ આવે છે, તેમને ૧૦૦ યુનિટ વીજ બીલ માફની પણ જાહેરાત કરી છે, તો એસટીને રૃા. ૧૨૦ કરોડની સહાયની જાહેરાત કરાઇ છે.

દરમિયાન વીજ અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે રાહત પેકેજમાં ૩ મહિનાનું ગણાવાયું છે, ટુંકમાં માર્ચથી મે મહિનાના બીલમાં ૧૦૦ યુનિટ વીજ બીલની માફી આવશે પરંતુ આ રાહતથી વીજ બોર્ડને જંગી કહી શકાય તેવો ૬૫૦ કરોડનો જબરો બોજ - ફટકો પડયો છે, સામે ૯૮ લાખ ઘરેલું વપરાશ વીજ ગ્રાહકોને ફાયદો થયો છે.

અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે, છેલ્લા ૨ મહિનામાં એડવાન્સ પૈસા જેમણે ભર્યા છે, અને મહિને ૨૦૦ યુનિટથી ઓછું બીલ આવે છે તેમને ૧૦૦ યુનિટ માફ કરી એટલી ક્રેડીટ આપી દેવાશે. જો કે, અધિકારીઓએ ચિંતા કરતા જણાવ્યું કે, સરકારે ગ્રાહકોને ફાયદો કર્યો. વીજ બોર્ડ ઉપર ૬૫૦ કરોડનો બોજો આવ્યો, સરકાર આ નાણા બોર્ડને ઝડપથી નહી ચૂકવે તો વીજ બોર્ડ આર્થિક કટોકટીમાં આવી જશે, અગાઉની હજુ ૩ હજાર કરોડની સબસિડી ચૂકવવાની બાકી છે ત્યાં આ ૬૫૦ કરોડનો મોટો બોજ આવ્યો છે.  દરમિયાન એસટીને ૧૨૦ કરોડનું પેકેજ અપાતા અધિકારીઓ - કર્મચારીઓમાં રાહત ફેલાઇ છે, સાથોસાથ ટ્રાફિક વધ્યો હોય હવે આવક પણ વધવા માંડશે તેમ એસટીના અધિકારી સૂત્રો ઉમેરી રહ્યા છે.

(10:38 am IST)