Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

કોરોનાએ દેશની અનેક નવી યોજનાઓનો પણ ભોગ લીધો

કોરોના સંકટ વચ્ચે નાણા મંત્રાલયે નવી યોજનાઓ શરૂ કરવા ઉપર ૯ મહિના માટે પ્રતિબંધ મુકી દીધોઃ સરકારની આવક ઘટતા નવી યોજનાઓ શરૂ કરવા ઉપર લગાવી બ્રેકઃ ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી કોઈ નવી યોજના શરૂ નહી થાયઃ મંજુર થયેલી યોજનાઓનુ કામકાજ પણ શરૂ નહિ થાયઃ એપ્રિલમાં સરકારને માત્ર ૨૭૫૪૮ કરોડની આવક મળી જે સામે સરકારે ખર્ચ કર્યો રૂ. ૩.૦૭ લાખ કરોડનો

નવી દિલ્હી, તા. ૫ :. કોરોના સંકટ અને લોકડાઉનને કારણે ઘટતી જતી આવક અને વધતા ખર્ચાને કારણે હવે તેની અસર નવી યોજનાઓ ઉપર પડવા લાગી છે. કેન્દ્ર સરકારે અનેક નવી યોજનાઓ શરૂ કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે. નાણા મંત્રાલયે વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા આવતા ૯ મહિના એટલે કે માર્ચ ૨૦૨૧ સુધી સ્વીકૃત અનેક યોજનાઓની શરૂઆત ઉપર પ્રતિબંધ મુકી દીધો છે.

કોરોનાની લડાઈમાં આર્થિક સંકટનો સામનો કરી રહેલા નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે કોઈ નવી યોજનાઓ શરૂ નહી કરવા નિર્ણય લીધો છે. આ પ્રતિબંધ એવી યોજના પર છે જે સ્વીકૃત કે મૂલ્યાંકનની શ્રેણીમાં હોય. આ આદેશ એવી યોજના પર પણ લાગુ થશે જેને માટે નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે સૈદ્ધાંતિક રીતે મંજુરી પણ આપી હોય.

જો કે આત્મનિર્ભર ભારત અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાઓ પર કોઈ પ્રતિબંધ નહિ રહે. સરકાર દ્વારા જારી આદેશમાં જણાવાયુ છે કે વિવિધ મંત્રાલય નવી યોજનાઓની શરૂઆત ન કરે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ જાહેર યોજનાઓ ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરે.

નાણા મંત્રાલયના ખર્ચ વિભાગ તરફથી ગઈકાલે જારી આદેશમાં જણાવાયુ છે કે કોરોના મહામારીને કારણે સાર્વજનિક નાણાકીય સંશાધનો ઉપર અભૂતપૂર્વ ડિમાન્ડ છે અને સંશાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની જરૂર છે ઉભરતી અને બદલાતી પ્રાથમિકતાઓ સાથે.

આ આદેશમાં જણાવાયુ છે કે સ્થાયી નાણાકીય સમિતિ પ્રસ્તાવો (૫૦૦ કરોડથી ઉપરની યોજના) સહિત નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં પહેલેથી જ સ્વીકૃત કે અનુમોદીત નવી યોજનાઓની શરૂઆત ૧ વર્ષ સુધી પેન્ડીંગ રહેશે. ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી કે હવે પછીના આદેશ સુધી તે અમલી રહેશે.

કોરોના સંકટના કારણે નાણા મંત્રાલયે આ મહત્વનો નિર્ણય લીધો છે કારણ કે સરકાર પાસે હવે પૈસા નથી. મળતા અહેવાલો મુજબ એપ્રિલ ૨૦૨૦ દરમિયાન ૨૭૫૪૮ કરોડ રૂપિયાની આવક મળી જે બજેટ અનુમાનના ૧.૨ ટકા હતી. જ્યારે સરકારે ૩.૦૭ લાખ કરોડનો ખર્ચ કર્યો જે બજેટ અનુમાનના ૧૦ ટકા હતો.

તાજેતરમાં સરકારે કહ્યુ હતુ કે તે બજારમાંથી ૪.૨ લાખ કરોડને બદલે ૧૨ લાખ કરોડ રૂપિયા લેશે

(11:39 am IST)