Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

અદાણી ગ્રુપે ત્રણ એરપોર્ટને ટેકઓવર કરવા માટે છ મહિનાનો સમય માગ્યો

કોરોના વાયરસની મહામારીનો હવાલો આપીને

નવી દિલ્હી, તા.૫: અદાણી ગ્રૃપે કોરોના વાયરસની મહામારીનો હવાલો આપીને લખનઉ, મેંગલોર અને અમદાવાદ એરપોર્ટને ટેક ઓવર કરવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) પાસે છ મહિનાનો સમય માગ્યો છે. AAIએ વર્ષ ૨૦૧૯માં પોતાના છ એરપોર્ટ અમદાવાદ, તિરુવનંતપુરમ, લખનઉ, મેંગલુરુ, જયપુર અને ગુવાહાટી માટે બોલી લગાવી હતી અને અદાણી ગ્રુપે તમામ છ એરપોર્ટ માટે સૌથી ઉંચી બોલી લગાવનારું ગ્રુપ હતું.

કોરોના મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ચૂકી છે. નાના હોય કે મોટા તમામ ધંધાદારીઓ આ મહામારીના કારણે લાગુ કરાયેલા લોકડાઉનના કારણે તકલીફમાં મુકાઈ ગયા છે.

અદાણી ગ્રુપે ગયા વર્ષે ખૂબ જ આક્રમકતા સાથે બોલીમાં આ ત્રણ એરપોર્ટનું પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP)માં કોન્ટ્રાકટ મળ્યો હતો. હવે અદાણી ગ્રુપે આ કોન્ટ્રાકટ માટેની તાત્કાલીક સગવડ ફોર્સ મેજર કલોઝનો ઉપયોગ કર્યો છે. આ એક એવી સગવડ હોય છે કે જેમાં પ્રાકૃતિક આપત્તિ અથવા તો અન્ય મોટા સંકટો જેમ કે રમખાણ, મહામારી વગેરે જેવી પરિસ્થિતિમાં સંબંધિત પક્ષ કોન્ટ્રાકટની શરતો માનવા માટે બાધ્ય નથી રહેતા. કાયદાની ભાષામાં આવા સંકટોને 'એકટ ઓફ ગોડ' કહેવાય છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને લખેલા એક પત્રમાં અદાણી ગ્રૃપે માગ કરી છે કે ત્રણ એરપોર્ટ માટે ૧૦૦૦ કરોડ રૂપિયાની જે એસેટ ટ્રાન્સફર ફીઝ આપવામાં આવી છે તેને જમા કરવા માટેની મર્યાદા ઓગસ્ટ ૨૦૨૦થી વધારીને ડિસેમ્બર ૨૦૨૦ કરી દેવામાં આવે.

(10:00 am IST)