Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

દિલ્હીમાં દર પાંચમાંથી એક દર્દી પોઝીટીવ

ટેસ્ટીંગ વધતા દર્દીઓ પણ વધ્યા : સંક્રમણ દર ૧૮.૩૨ ટકા

નવી દિલ્હી તા. ૫ : દિલ્હીમાં કોરોના સંક્રમણના ટેસ્ટીંગ વધતા સંક્રમિતોની સંખ્યામાં પણ વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિયાના આંકડાઓ અનુસાર દર પાંચમાંથી એક ટેસ્ટીંગ પોઝીટીવ આવે છે.

રાજધાનીમાં છેલ્લા એક અઠવાડિયામાં ૪૫૭૮૩ સેમ્પલની તપાસ કરાઇ છે તેમાંથી ૮૩૮૯ પોઝીટીવ આવ્યા છે. આ હિસાબે સંક્રમણ દર ૧૮.૩૨ ટકા રહ્યો છે. એટલે કે તપાસ કરાવનાર લગભગ દર પાંચમાં વ્યકિતને સંક્રમણ છે.

દિલ્હીમાં બુધવારે ટેસ્ટીંગના હિસાબે સંક્રમણ દર સૌથી વધારે એટલે કે ૨૩.૧૪ ટકા આવ્યો હતો. એ દિવસે ૬૫૩૮ લોકોના ટેસ્ટીંગ થયા તેમાંથી ૧૫૧૩ લોકો પોઝીટીવ મળી આવ્યા હતા. આ અઠવાડિયામાં પહેલી જૂને જ એક હજારથી ઓછા નવા કેસ આવ્યા હતા પણ તે દિવસે ટેસ્ટીંગની સંખ્યા પણ ફકત ૪૭૫૩ હતી. એક અઠવાડિયામાં ૮૩૮૯ નવા કેસો આવ્યા. બુધવાર સુધીમાં કુલ કેસ ૨૩૬૪૫ થયા છે.(૨૧.૬)

 

(9:58 am IST)