Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

આંદોલન કરનારા ખેડુતોને નાખો જેલમાં અને જામીન પણ ન આપો

એકટ્રેસ રવિના ટંડન દ્વારા કરવામાં આવેલા ટ્વીટે જગાવ્યો વિવાદઃ કૃષિ ઉત્પાદનના વેડફાટ સામે વ્યકત કરી નારાજગી

મુંબઇ તા.૫: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ખેડુતોના આંદોલનના ચોથા દિવસે ફિલ્મ-એકટ્રેસ રવીના ટંડને કરેલા એક ટ્વીટને કારણે ખાસ્સો વિવાદ સર્જાયો હતો. વાસ્તવમાં રવીના ટંડને આંદોલન કરનારા ખેડુતો દ્વારા અનાજ, શાકભાજી અને દૂધનો બગાડ કરનારા લોકો સામે ખાસ્સો નારાજગી વ્યકત કરી હતી અને આવું કરનારા ખેડુતોને જેલમાં નાખવાની અને જામીન પણ ન આપવાની વાત કરી હતી. આ ટ્વીટ તેણે પોતાના સતાવાર ટ્વીટર હેન્ડલ પરથી કર્યા હતા.રવીના ટંડને પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, 'આ એક અત્યંત કલેશજનક ઘટના છે. આંદોલનની આ રીત અત્યંત ખરાબ છે. સાર્વજનિક સંપતિ, વાહનો અને સામગ્રીનુ઼ નુકશાન કરવું અત્યંત કમનસીબ છે. આવા આંદોલન કરનારાની સરકારે તત્કાળ ધરપકડ કરવી જોઇએ અને તેમને જામીન પણ ન આપવા જોઇએ.'

રવીનાએ ટ્વીટ કર્યા બાદ તેને અનેક લોકોએ પ્રશ્નો કર્યા હતા અને વિવાદ પણ કર્યા હતા, પરંતુ આ બધાને જવાબ આપતાં રવીનાએ પોતાનું ખેડુત આંદોલનવિરોધી વલણ જાળવી રાખ્યું હતું.

શ્રિનિધિ મિશ્રા નામની એક વ્યકિતએ રવીનાને એવો સવાલ કર્યો હતો કે 'જો ખેડુતો રજા પર  જતો રહેશે તો આખી દુનિયા ભુખે મરી જશે. પછી તમને પણ ખાવા માટે અનાજ મળશે નહી. અને એને પગલે તમે આ મફતનું ઇન્ટરનેટ વાપરવા માટે જીવતાં નહી રહો.' રવીનાએ ટ્વીટનો તરત જ જવાબ આપતાં જણાવ્યું હતું કે 'તો તમે શુ કરી રહયા છો મફતનું ઇન્ટરનેટ વાપરીને? તમે પણ મફતનું ઇન્ટરનેટ વાપરવાનું બંધ કરી નાખો અને ખેડુતો દ્વારા કરવામાં આવી રહેલા નુકસાનનું સમર્થન કરવાને બદલે તેમને મદદ કરવાનો વિચાર કરો.' (૧.૨)

(11:32 am IST)