Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

પુરૂષોતમ -સ્તવન

ગૌમાતાનો સત્કાર થયો ને ગોવર્ધન પરિક્રમાનો પ્રારંભ

ગોવર્ધન યજ્ઞ પૂર્ણ થયો છે અને ગાયોના સત્કાર સમારંભની તૈયારી થઈ રહી છે. જો કે ગાયોને શણગારવાનું કાર્ય તો સાત પહોર પહેલા આરંભાઈ ગયુ છે.

વ્રજરાજનંદ નંદન, શ્યામ સુંદરની ગાયોનો શણગાર આજ જોવા જેવો હતો. બધી ગાયોના શિંગડા સોનાથી મઢી દેવામાં આવ્યા હતા. સુ વર્ણ શીંગવાળી ગાયોની શોભા અનેકગણી વધી ગઈ હતી. ઉજ્જવલ રત્નપત્રોથી ગાયોની ખરી મઢી દેવાથી તે ચમકતી હતી. પ્રત્યેક ગાયના ગળામાં મણીમુકતાનો હાર લટકતો હતો. પગમાં ઝાંઝર પહેરાવ્યા હતા. ડોકમાં રૂપાની ઘંટડીઓ બાંધી હતી. એથી ગાય જ્યારે ચાલતી કે ડોક હલાવતી ત્યારે તેમાથી મયુર ધ્વની નીકળતો હતો.

ગૌ પૂજા કરવામાં આવી, કુમળુ ઘાસ અને વિવિધ પકવાન ખવડાવવામાં આવ્યો. ગાયના વાછરડુ તેની પાસે છૂટા મુકી દેવામાં આવ્યા હતા. ખાણ ખાતી ગાયો ક્ષણે ક્ષણે શ્રી કૃષ્ણને સ્નેહથી નિહાળતી હતી. કૃષ્ણને દેખતી તો ખાવા મંડી જતી, પણ જો કૃષ્ણ દેખાય નહીં તો ખાવાનું છોડી દેતી, જેવી રીતે વિયોગીને ભોગની ઈચ્છા થાય નહીં, તેવી રીતે કૃષ્ણને નહીં દેખવાથી ગાય ખાવાનું છોડી દઈ ભાંભરવા લાગતી.

મોટેરા કોઈ ગોપની ગાય, ગોપના હાથનો ચારો ખાતી નથી, એથી ગોપ શ્રી કૃષ્ણ પાસે દોડી આવ્યા. કહેવા લાગ્યા બેટા કનૈયા આ ઘાસને તારો હાથ અડાડી દે, તારા હાથની સુગંધ સુંઘીને અમારી ગાયો ઘાસ ખાશે, આમ ગાયોને તૃપ્ત કર્યા પછી ગાયોની વિવિધ સ્પર્ધાનું આયોજન થયું.

ગાયોનો સત્કાર

અનાદી પરંપરા અનુસાર નંદવ્રજમાં દર વર્ષે કાર્તિક માસની બીજને દિવસે ઈન્દ્રયજ્ઞ પૂર્ણ થતા ગાયોની સ્પર્ધા થતી, એ પ્રથા મુજબ એનો આરંભ થયો શ્યામ અને રામનો સંકેત થતા ગોપ બાળકો, ગાયોને બોલાવવાની વિવિધ વાંભો નાખવા લાગ્યા જેના નામની વાંભ પડતી તે ગાય ઉંચુ પુછડુ કરીને કુદતી કુદતી નૃત્ય કરવા લાગી.

એક તરફ રાજા વૃષભાનું ગાયોને રમાડે છે, બીજી તરફ ગોપીઓનું વૃંદ હતુ વચ્ચે યશોદાનો લાલ ઉમંગમાં આવી જઈને વિવિધ પ્રકારની 'વાંભો' કરતો હતો.

ધૌરી નામની ગાય કૃષ્ણની વાંભની રાહ જોતી ઉભી છે. હમણા કાનુડો વાંભ કરશે ને હું નાચવા લાગીશ, એવી તેના મનમાં હોંશ હતી. એવામા કનૈયાએ ધૌરી ગાયને વાંભ કરી.

આનંદના અતિરેકમાં ધૌરી ગાય નાચી ઉઠી, ધૌરીને રમતી દેખીને 'ઘુમરી' નામની ગાયને તેની ઈર્ષા થઈ આવી, તેણે મનમાં નક્કી કરી લીધુ કે, ભલે ધૌરીની વાહ વાહ બોલાય, પણ મારો વારો આવવો દયો, આજની સ્પર્ધામાં હું પ્રથમ સ્થાન પ્રાપ્ત કરૂ છું કે નહી !?

ગોપાલ કૃષ્ણે 'ઘુમરી'ને બોલાવી નહીં તેથી પ્રેમમાં રોષે ભરાયેલ જેમ પ્રેમીકા લાડ કરે તેમ 'ઘુમરી' લાડ કરતી કૃષ્ણની સામે આવીને ઉભી રહી. કૃષ્ણને ઠપકો આપતી હોય એમ એક તરફ મોઢુ ફેરવીને ઉભી રહી, 'ઘુમરી'નો રોષ દેખીને વ્રજલાલ નંદન હસી પડયા અને પછી ઘુમરીને રમાડવા લાગ્યા. ખરેખર ઘુમરીએ બધી ગાયોને હરાવી દીધી. ઘુમરીને સાચવવાનું કાર્ય ભારે થઈ પડયું. ઘુમરીને અડવાની કોઈની હિંમત રહી ન હતી અંતે ગોપાળે આગળ આવીને ઘુમરીને શાંત કરી. સમય અધિક થઈ ગયો હતો. ગાયો રમતને કારણે ઉત્તેજીત હતી. નંદજીએ ગોપોને આજ્ઞા કરી બધી ગાયોને ભેગી કરી લેવાની, પરંતુ ઉત્તેજીત થયેલી ગાયો આજે કોઈનું માનતી ન હતી. નંદજીને ચિંતા થવા લાગી પિતાના મુખ ઉપરની ચિંતા દેખતીને ગોપાળ કૃષ્ણે હાથમાં વાંસળી લીધી, હોઠ ઉપર મુકીને તેમા પ્રાણવાયુ ભર્યો. મોરલીનો સૂર છેડયો, ક્ષણમા તો ગોવર્ધનની તળેટીમાં આહલાદક વાતાવરણ જામી ગયું. વ્રજાંગનાઓના નેત્રો બંધ થઈ ગયા, ગાયો જ્યાં હતી ત્યાં થંભી ગઈ.

એવે વખતે ગોપ પોતાની ગાયો પકડવા ગયો. ત્યારે તેણે અનુભવ્યુ કે ગાયોનું મન કૃષ્ણની વાંસળીના સૂરમાં જ હતુ. શરીર જ્યાં દોરી જાય ત્યાં જતુ હતુ. ગાયોને સ્વસ્થાને લઈ જવામાં આવી.

ગાયોનો સત્કાર સમારંભ પૂર્ણ થતા બ્રહ્મભોજન થયું અને પછી ગોવર્ધન પરિક્રમાનો પ્રારંભ થયો.

પરિક્રમામાં આગળ ગાયનું ધણ, બ્રાહ્મણ પછી નંદ-યશોદા અને તેમની પાછળ રામ-શ્યામ પછી પાછળ વ્રજના મહાજનો, નાગરીકોનો સમુહ એ પ્રમાણે ગીરીરાજ પરિક્રમાનો પ્રારંભ થયો.

વ્રજાંગનના નેત્રો શ્યામસુંદરને દેખતા નથી પરંતુ શ્યામસુંદરની અલૌકિક લીલા દેખે છે. કૃષ્ણ લીલા ગાતી ગાતી, ગીરીરાજની પરિક્રમા પૂર્ણ કરે છે.

પરિક્રમા પૂર્ણ થતા સમગ્ર ગોપ સમુદાય વ્રજ તરફ પાછા ફરે છે એ વખતે ગોપીઓ ગીત ગાતી કહે છે 'આ ગોવર્ધન પૂજા કોણે કરી ? જેણે ઈન્દ્રના ભયથી મુકત કર્યા હતા. ગોકુલ વ્રજમાં રાક્ષસોનો વિનાશ કર્યો. દાવાગ્નિને બે બે વખત જેપી ગયા તેવા શ્રી કૃષ્ણે આ પૂજા કરી છે.'

કાબરી ગાય ને કાબરો વાછડો રામચંદ્ર દીવા જાય

કનક કચોળા દૂધે ભર્યા, લઈ ઠાકોરને મોઢે કર્યા...

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(12:35 pm IST)