Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

યુપી-બિહાર માટે અમદાવાદથી મુસાફરોનો ભારે ધસારોઃ લાંબુ વેઈટીંગ લીસ્ટઃ ટ્રેનો વધારવી જરૂરી

મહારાષ્ટ્ર-રાજસ્થાન જવા કોઈ તૈયાર નથી પણ યુપી-બિહાર માટે લાંબી લાઈનો...

અમદાવાદ, તા. ૫ :. કોરોના સંક્રમણને કારણે મહારાષ્ટ્ર-રાજસ્થાન સહિત કેટલાય રાજ્યોમાં ટ્રેનો માટે મુસાફરો નથી મળતા અને અનેક ટ્રેનો રદ કરાઈ રહી છે. એ સામે યુપી અને બિહાર જવા માંગતા મુસાફરોનો એટલો બધો ધસારો છે કે ટિકીટોનું લાંબુ વેઈટીંગ લીસ્ટ અમદાવાદમાં ચાલી રહ્યુ છે.

એક બાજુ ટિકીટોના કાળાબજાર થાય છે, રેલ્વે તંત્ર દરોડા પાડી રહ્યુ છે. મુસાફરો છેતરાઈ રહ્યા છે, ત્યાં અમદાવાદ સહિતના મોટા રેલ્વે સ્ટેશનો ઉપર બુકીંગ માટે મુસાફરોની લાંબી લાઈનો લાગી છે.

રેલ્વે તંત્રે યુપી-બિહાર માટે કેટલીય સ્પેશ્યલ ટ્રેનો શરૂ કરી છે, પરંતુ આ પણ ઓછી પડી રહી છે. આ ટ્રેનોમાં લાંબુ વેઈટીંગ ચાલી રહ્યુ છે. અમદાવાદ, લખનૌ, ગોરખપુર, સાબરમતી એકસપ્રેસ, અમદાવાદ-બનારસ સહિત અનેક ટ્રેનો છે, પરંતુ આ એક પણ ટ્રેનમાં જનરલ કોચ નથી અને તેના કારણે લાંબુ વેઈટીંગ ચાલી રહ્યુ છે અને મુસાફરો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.

દરમિયાન રેલ્વેના મુખ્ય અધિકારી પ્રદિપ શર્માએ જણાવ્યુ હતુ કે, જરૂર પડયે યુપી અને બિહાર માટે વધુ ટ્રેનો દોડાવાશે અને વધારાના કોચ પણ જોડાશે.

(3:12 pm IST)