Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

અડધો અડધ વ્યકિતઓ જરૂરીયાત વગર કરાવી રહ્યા છે સીટી સ્કેન

એક સીટી સ્કેન ૩૦૦ ચેસ્ટ એકસ-રે જેટલો નુકસાનકારક : કોરોનાના કારણે લોકો 'સીટી સ્કેન ફોબીયા'ના શિકાર : કેન્સર થવાનું જોખમ

નવી દિલ્હી તા. ૫ : કોરોનાના વધી રહેલ સંક્રમણ વચ્ચે લોકો 'સીટી સ્કેન ફોબીયા'નો શિકાર થઇ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હી હોય કે યુપી - ઉત્તરાખંડ અને બિહાર સરેરાશ દર બીજો વ્યકિત ડોકટરની સલાહ કે જરૂરીયાત વગર સીટી સ્કેન કરાવી રહ્યો છે.

નિષ્ણાંતો અનુસાર આ ઘાતક ચલણ કેન્સરના મુખમાં લઇ જઇ શકે છે. એટલે હળવા લક્ષણોવાળા દર્દીઓએ સીટી સ્કેન ન કરાવવું જોઇએ. એન્ટીજન, આરટી-પીસીઆર, ચેસ્ટ એકસ-રે અને સીટી સ્કેનના માધ્યમથી કોરોના સંક્રમણની ભાળ મેળવી શકાય છે.

અત્યારે લોકો શરદી - ઉધરસ જેવા મામૂલી લક્ષણો હોય તો પણ સીટી સ્કેન કરાવે છે. મોટી સંખ્યામાં લોકો શાસન - પ્રશાસનની નજરમાં આવ્યા વગર ખાનગી રીતે કોરોનાની સારવાર પણ લઇ રહ્યા છે. સીટી સ્કેન કરતા ડાયોગ્નોસ્ટીક સેન્ટરો પર લાંબી લાઇનો લાગે છે. લખનૌની લોહિયા હોસ્પિટલના રેડીયોલોજી વિભાગના ડોકટર તુષાર જણાવે છે કે આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટીવ આવે અને શ્વાસની તકલીફ હોય તો લોકો સીટી સ્કેન કરાવે છે. અન્ય એક ડોકટરનું કહેવું છે કે કોઇ દર્દીને તાવ ૬ થી ૭ દિવસમાં ન મટે તો ડોકટરની સલાહ પછી સીટી સ્કેન કરાવવો જોઇએ.

એઇમ્સના ડાયરેકટર ડોકટર રણદીપ ગુલેરીયા અનુસાર જો કોરોનાના હળવા લક્ષણો હોય તો સીટી સ્કેન કરાવવાની જરૂર નથી. સીટી સ્કેન તંદુરસ્તી માટે હાનિકારક છે. સીટી સ્કેનથી કેન્સરની શકયતા વધી શકે છે. એક સીટી સ્કેન ૩૦૦ ચેસ્ટ એકસ-રે જેટલું નુકસાનકારક છે. શંકા હોય તો પહેલા ચેસ્ટ એકસ-રે કરાવવો જોઇએ.

(12:50 pm IST)