Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

મે, જુલાઇ કે ઓકટોબર... કયા મહિનામાં આવશે કોરોનાની ત્રીજી લહેર ?

ત્રીજી લહેર બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે વધુ ઘાતક સાબિત થવાની શકયતા : ડોકટરો

નવી દિલ્હી તા. ૫ : કોરોનાની બીજી લહેરમાં દેશ હચમચી ગયો છે. બીજી લડાઈ હજી આપણે પૂરી રીતે લડી શકયા નથી, ત્યાં ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે. એકસપર્ટસના મતે, કોરોનાની ત્રીજી લહેર વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. એકસપર્ટસ કહે છે કે, ઓકટોબર મહિનામાં ત્રીજી લહેર આવસે. જો આ લહેર મ્યુટેશન સાથે આવે તો વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. પરંતુ આ માટે વેકસીનથી આશા જાગી છે. ઓકટોબર સુધી અનેક લોકો વેકસીનેટેડ હશે, તો આ ખતરો ટળી શકે છે તેવુ તબીબોનું કહેવું છે. ગાઈડલાઈનનું પાલન, રસી લઈને કોરોનાની ત્રીજી લહેરે ઘાતક ન બનવા દઈએ તે માટે માનસિક રીતે તૈયાર રહેવુ જરૂરી છે.

આ વિશે ડો.વસંત પટેલનું કહેવુ છે કે, કોરોનાની પહેલી લહેરમાં અગાઉ ૬૮ દિવસનું લોકડાઉન અને એસઓપીના પાલન કરાયું હતું. આ કારણથી પહેલી લહેરમાં સંક્રમણ ઘટ્યુ હતું અને મૃત્યુદરને કન્ટ્રોલ કરી શકાયો હતો. બીજી લહેરમાં કોઈ જ નિયમો પાળવામાં ન આવ્યા. સરકારે ન કડક કાયદા મૂકયા, તો બીજી તરફ પ્રજાએ પણ મનમાની છૂટ લીધી અને નિયમો નેવે મૂકયા. રસીકરણ પૂરતુ થયુ ન હતું તેથી બીજી લહેરમાં મૃત્યુદર ઉંચો જોવા મળ્યો. સંક્રમણ અને મોત આ જ કારણે થયા છે. વાયરસનું મ્યુટેશન  આ જ કારણે ઘાતક બન્યું છે.

ગુજરાતમાં હાલમાં કોવિડના મૃત્યુના ડરથી લોકો ફફડી રહ્યા છે. કોવિડના આ બીજી લહેરમાં લોકો ભલે ડરી ગયા છે. પરંતુ ઓકટોબર સુધીમાં ત્રીજી લહેરની શકયતાઓ ડોકટરોએ વ્યકત કરી છે. જે મ્યુટેશન સાથે આવે તો વધુ ખતરનાક બની શકે છે.

ત્રીજી લહેરમાં બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે વધુ ઘાતક સાબિત થવાની શકયતા ડોકટરો દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.

(12:49 pm IST)