Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

હરિયાણાના એક ગામમાં ભેદી તાવથી ૨૨ લોકોના મોતથી ફફડાટ

ગામમાં એક જ અઠવાડિયામાં ૨૨ના મોતનો સરપંચનો દાવો : જો કે ગામવાળા કહી રહ્યા છે કે સાચો આંકડો તેનાથી પણ વધુ : નાનકડા ગામમાં એક જ દિવસમાં ૧૧ ચિતા સળગી :મોતને ભેટનારા તમામ લોકોને બે-ત્રણ દિવસ તાવ આવ્યો અને બાદમાં પ્રાણપંખેરૂ ઉડી ગયું :ગામમાં લોકોએ ઘરની બહાર જ નીકળવાનું બંધ કરી દીધું, તમામ મૃતકોને સમાન લક્ષણો હતા :મોતને ભેટેલા ૨૨માંથી ૧૦ લોકોની ઉંમર તો ૪૦ વર્ષથી પણ ઓછી હતી

ટિટોલી (રોહતક) તા. ૫ : એક તરફ આખા દેશમાં કોરોનાનો કકળાટ ચાલુ છે, તેવામાં હરિયાણાના રોહતક જિલ્લામાં આવેલા ટિટોલી ગામમાં સાત દિવસમાં ૨૨ લોકોના ભેદી બીમારીથી મોત થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ત્રણ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં જેટલા પણ લોકોના ભેદી બીમારીથી મોત થયા છે તે તમામને પહેલા તાવ આવ્યો હતો. જેનાથી ડરી ગયેલા લોકોએ હવે ઘરની બહાજ નીકળવાનું બંધ કરી દીધું છે.

ગામના સરપંચના જણાવ્યા અનુસાર, ગામના રસ્તા છેલ્લા એક અઠવાડિયાથી સૂમસામ થઈ ગયા છે. પાંચ દિવસ પહેલા ગામના સ્મશાનમાં ૧૧ ચિતા એક જ દિવસમાં સળગી હતી. આવી સ્થિતિ ગામમાં અગાઉ કયારેય નથી સર્જાઈ. સરપંચે એમ પણ કહ્યું હતું કે, મૃતકોના પરિવારજનોના જણાવ્યા અનુસાર, તમામને બે-ત્રણ દિવસ તાવ આવ્યો હતો. સાત દિવસમાં મોતને ભેટેલા તમામ ૨૨ લોકોને એકસમાન લક્ષણ દેખાયા હતા.

ભેદી બીમારીમાં મોતને ભેટનારા ૨૨માંથી સાત લોકો તો ૪૦ વર્ષથી પણ ઓછી ઉંમર ધરાવતા હતા. આ અંગે જિલ્લા તંત્રને જાણ કરાતા જેમના ઘરમાં મોત થયા છે ત્યાં મૃતકોના પરિવારજનોના પણ સેમ્પલ લેવાનું શરુ કરાયું છે. વધુ લોકોના મોત ના થાય, તેમજ રાક્ષસી શકિતઓનો પડછાયો ગામ પર ના પડે તે માટે ગામમાં હવન પણ કરાવાઈ રહ્યા છે.

બીજી તરફ, ટિટોલી ગામમાં દૂધ વેચતા જગદીશ કુમારના જણાવ્યા અનુસાર, સરપંચ જે આંકડો જણાવી રહ્યા છે, તેનાથી ખરેખર તો બમણી સંખ્યામાં મોત થયા છે. તેણે ત્યાં સુધી કહ્યું હતું કે ગામમાં લોકો ટપોટપ મરી રહ્યા છે, છતાંય આરોગ્ય વિભાગ ગામમાં કોઈ તપાસ નથી કરતો. ગામમાં ગત ગુરૂવારે એક જ દિવસમાં ૧૧ લોકોના અંતિમ સંસ્કાર થયા હોવાનું પણ તેણે જણાવ્યું હતું.

હાલની સ્થિતિને જોતાં ગામમાં લોકોને ટોળે વળી હુક્કો પીવા ના બેસવા માટે પણ જણાવાયું છે. ગામમાં ડોકટરની ટીમ પણ આવી હતી, પરંતુ ગામના રસ્તા સેનિટાઈઝ કરવા માટે કોઈ માણસ ના હોવાથી કામગીરી આગળ નહોતી વધી શકી. એટલું જ નહીં, જે ઘરોમાં મોત થયા છે તેમને સેનિટાઈઝ કરવા તેમજ મૃતકોના પરિવારજનોના સેમ્પલ લેવા માટે પણ કોઈ સ્ટાફ નહોતો.

(10:03 am IST)