Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

બંગાળ હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટમાં, CBI તપાસની માગ

બંગાળમાં પરિણામ બાદની હિંસાનો મામલે વિવાદ : રાજ્યના સમગ્ર ઘટનાક્રમ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રદેશના રાજ્યપાલની સાથે વાત કરતા ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી, તા. : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ બાદ થયેલી વ્યાપક હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. અનેક જગ્યાએ હિંસાને લઈને સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કોર્ટ પાસે હિંસક ઘટનાઓની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. રાજ્યના ઘટનાક્રમ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રદેશના રાજ્યપાલ  સાથે વાત કરતા ચિંતા વ્યક્ત કરી છે. તો રાજ્યમાં જારી રાજકીય હિંસા પર રાજ્યપાલ નજર રાખી રહ્યાં છે.

ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ સર્વોચ્ચ ન્યાયાલયમાં દાખલ પોતાની અરજીમા કહ્યુ કે, બંગાળની હિંસા દરમિયાન મહિલાઓ સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો અને તેને મારી નાખવામાં આવ્યા. તેથી કોર્ટે મામલામાં દખલ આપતા નિષ્પક્ષ તપાસના આદેશ આપવા જોઈએ.

પહેલા ઘણા ભાજપ નેતાઓએ ટીએમસી સમર્થકો પર લોકતંત્રની હત્યા કરવાનો આરોપ લગાવતા પ્રદેશમાં થઈ રહેલી હિંસાની નિંદા કરી હતી. ભાજપે પોતાની ઓફિસમાં થયેલી તોડફોડ અને આગનો વીડિયો શેર કર્યો જે વાયરલ થઈ ચુક્યો છે. ભાજપે આરોપ લગાવ્યો કે દક્ષિણ ૨૪ પરગનામાં જે લોકોએ ભાજપને મત આપ્યા અને જે કાર્યકર્તાઓએ પાર્ટી માટે ચૂંટણીમાં કામ કર્યું તેના ઘર તોડવામાં આવી રહ્યાં છે.

હિંસાને લઈને ભાજપે પાંચ મેએ દેશવ્યાપી પ્રદર્શનની જાહેરાત કરી છે. ભાજપના કાર્યકર્તા અલગ અલગ જિલ્લામાં ધરણા આપવાની સાથે હિંસાનો વિરોધ કરશે. વિરોધ પ્રદર્શન કોવિડ ગાઇડલાઇનનું ધ્યાન રાખવાની સાથે થશે. તો ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા બે દિવસીય બંગાળના પ્રવાસે પહોંચ્યા છે.

ટીએમસી કાર્યકર્તાઓ અને સમર્થકો પર ગંભીર આરોપ લાગ્યા છે. તેઓ ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરી રહ્યાં છે. રાજ્યમાં ઓડિશાપારા, કૂચબિહાર, સમસપુર, પુરબા વર્ધમાન સહિત અનેક જગ્યાએ હિંસા થઈ છે. તો આરામબાગમાં ભાજપની ઓફિસમાં આગ લગાવવામાં આવી છે. હિંસા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે.

(7:22 pm IST)