Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

દિલ્હીમાં ૨ મહિના ફ્રીમાં અનાજઃ ઓટો-ટેકસી ચાલકોને પ હજારની સહાય

સીએમ કેજરીવાલની મહત્વની જાહેરાત

નવી દિલ્હી, તા.૪: રાજધાની દિલ્હીમાં ઝડપથી ફેલાતા કોરોના ચેપને ધ્યાનમાં રાખીને ૧૯ એપ્રિલથી લોકડાઉન ચાલુ છે. આ લોકડાઉનથી અહીં રહેતા અને મજૂરી કરનારા અથવા શેરી વિક્રેતાઓ તરીકે કામ કરતા સ્થળાંતરકારોની સમસ્યાઓ વધી રહી છે. દરમિયાન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે ગરીબ લોકોના હિતમાં મોટી જાહેરાત કરી છે. દિલ્હીમાં વસતા તમામ રેશનકાર્ડ ધારકોને આગામી બે મહિના સુધી મફત રેશન મળશે.

સીએમ અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે નિર્ણય લીધો છે કે દિલ્હીના તમામ રેશનકાર્ડ ધારકોને (આશરે ૭૨ લાખ જેટલા) આગામી ૨ મહિના સુધી મફત રેશન આપવામાં આવશે. તેમણે નિર્દેશ કર્યો કે આનો અર્થ એ નથી કે લોકડાઉન ૨ મહિના સુધી ચાલુ રહેશે. આ ફકત આર્થિક મુદ્દાઓમાંથી પસાર થતા ગરીબોની સહાય માટે કરવામાં આવી છે.

સીએમ અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, દિલ્હી સરકાર તમામ ટેકસી અને ઓટો ડ્રાઇવરોને આર્થિક સહાય રૂપે ૫૦૦૦ રૂપિયા આપશે જેથી તેઓને આ નાણાકીય સંકટ દરમિયાન થોડી મદદ મળી શકે. સીએમએ કહ્યું કે આ એક લાખ ૬૫ હજાર ડ્રાઇવરોને મદદ કરશે.

(3:28 pm IST)