Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

IPL સસ્પેન્ડ

કોરોના વાયરસના કહેરને કારણે લેવાયો નિર્ણયઃ IPLની અનેક ટીમોમાં કોરોનાના કેસ આવતા ખળભળાટ મચી ગયો હતો : બાકીના મેચ કયારે રમાશે એ અંગે બાદમાં નિર્ણય લેવાશેઃ ટુર્નામેન્ટ અનિશ્ચિત મુદત માટે સ્થગિત

નવી દિલ્હી, ઇન્ડીયન પ્રીમીયર લીગ IPL ૨૦૨૧ને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે. બે દિવસની અંદર ૩ ખેલાડી કોવિડ-૧૯ પોઝીટીવ જણાયા બાદ આ નિર્ણય લેવાયો છે. IPL ગવર્નિગ કાઉન્સીલ અને IPL માં સંયુકત રીતે આ નિર્ણય લીધો  છે. આ ટુર્નામેન્ટ સાથે જોડાયેલા ખેલાડીઓ સપોર્ટ સ્ટાફની સલામતીને લઇને બોર્ડ કોઇ જોખમ લેવા માંગતુ નથી. આ નિર્ણય બધાની ભલાઇ માટે લેવાયો છે. હાલ મુશ્કેલ સમય છે અને ખાસ કરીને ભારત માટે બોર્ડે કહયું છે કે ટુર્નામેન્ટ સાથે જોડાયેલા લોકો પોતાના ઘરે પરત ફરી શકે છે. બાકીના મેચ કયારે રમાશે એ નિર્ણય બાદમાં લેવાશે. આજે ઋદ્રિમાન સાદા અને અમીત મિશ્રા પોઝીટીવ આવતા નિર્ણય લેવાયો હતો.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPLને અધવચ્ચે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાના વધતા કેસો અને કેટલાક ખેલાડીઓને પણ તેનો ચેપ લાગી જતાં આઈપીએલની આ સીઝનને સસ્પેન્ડ કરી દેવાનું નક્કી કરાયું છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે કેટલાક ક્રિકેટરો પણ આઈપીએલમાંથી નીકળી જવાના મૂડમાં હતા, જયારે કેટલાકે તો રમવાનું માંડી પણ વાળ્યું હતું

સોમવારે અમદાવાદમાં રમાનારી કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચ કોરોનાને કારણે જ કેન્સલ કરી દેવામાં આવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડી વરુણ ચક્રવર્તી અને બોલર સંદીપ વારિયરને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના સભ્યોના જણાવ્યા અનુસાર, મંગળવારે અમિત મિશ્રા અને ઋદ્ઘિમાન સાહાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા આ નિર્ણય લેવાયો હતો. બીસીસીઆઈના અનેક અધિકારીઓ અને ફ્રેન્ચાઈઝીઓએ પણ આ વાતની પુષ્ટિ કરી દીધી છે.

ચેન્નૈ સુપર કિંગ્સના બે સભ્યો બોલિંગ કોચ એલ. બાલાજી અને બસ કલીનરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સીઈઓ કાશી વિશ્વનાથનનો બીજો રિપોર્ટ સોમવારે સાંજે નેગેટિવ આવ્યો હતો. જોકે, બાલાજી અને બસ ડ્રાઈવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અનેક ઓસ્ટ્રેલિયન ખેલાડી કોરોનાના વધતા કેસને કારણે જ પોતાના દેશમાં પરત ફરી ચૂકયા છે. જેમાં એડમ જંપા, એન્ડ્રયુ ટાય અને કેન રિચર્ડસન સામેલ હતા.

રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન લિયામ લિવિંગ્સ્ટોને પણ બાયો બબલથી કંટાળીને ઈંગ્લેન્ડ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન દિલ્લી કેપિટલ્સના સ્પીનર રવિચંદ્રન અશ્વિને પણ ૨૫ એપ્રિલે આઈપીએલમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે આઈપીએલની સીઝન દુબઈમાં રમાઈ હતી. આ વખતે તો દેશમાં સ્થિતિ ૨૦૨૦થી પણ ખરાબ હોવા છતાં અનેક વિરોધ વચ્ચે પણ મુંબઈમાં ૨૦૨૧ના સીઝનની શરુઆત કરવામાં આવી હતી, જયારે કેટલીક મેચ અમદાવાદમાં રમાવાની હતી. તમામ ટીમો અમદાવાદ પહોંચી તેના થોડા જ સમયમાં બાયોબબલ હોવા છતાંય તેમની અંદર કોરોનાના કેસ આવવાનું શરુ થયું હતું. જેના કારણે આઈપીએલ પર ફરી એકવાર સવાલ ઉઠ્યા હતા.

(3:14 pm IST)
  • આજ સાંજ સુધીમાં દિલ્હીમાં ૨૦૯૬૦ નવા કેસ નોધાયા : ૧૯૨૦૯ સાજા થયા અને ૩૧૧ મૃત્યુ થયા access_time 6:31 pm IST

  • દક્ષિણના રાજ્યોમાં આજે પ્રિમોન્સુન વરસાદ પડવાની સંભાવના આજે કર્ણાટક, દક્ષિણ કોંકણ અને કેરળમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે, બેંગલુરુ, મૈસુરૂ, મદુરાઈ અને સાલેમ નજીક પણ વરસાદ પડવાની સંભાવના જાણીતા વેધર વોચર કેન્નીએ તેમના ટ્વિટર હેન્ડલ પર દર્શાવી છે access_time 10:53 am IST

  • કોરોનાને કારણે પત્રકાર વિનોદ ગજ્જરનો જીવન દીપ બુજાયો પાટણ એબીપી ન્યૂઝ ચેનલના પત્રકાર શ્રી વિનોદભાઈ ગજ્જરનું કોરોનાને કારણે અવસાન થયું છે. ઘેરા શોકની લાગણી પ્રસરી છે access_time 9:35 pm IST