Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

લોકડાઉન દરમિયાન સ્કૂલો પુરેપુરી ફી લઈ ન શકેઃ સુપ્રીમ કોર્ટ

કોરોનાકાળમાં ખાનગી સ્કૂલોની ફી સંબંધે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ફેંસલોઃ જો કે કોર્ટે સત્ર ૨૦૨૦-૨૧ની વાર્ષિક ફી લેવા પરવાનગી આપી : સ્કૂલોએ ૧૫ ટકા ફી ઘટાડો કરવો પડશેઃ કોઈ ફી ભરી ન શકે તો તેને પરીક્ષામાં બેસતા કે પરિણામ અટકાવી નહિ શકાય

નવી દિલ્હી, તા. ૪ :. કોરોના મહામારીના આ દોરમાં સૌ કોઈ પરેશાન છે. સ્કૂલો લાંબા સમયથી બંધ છે અને અભ્યાસ તથા ફીને લઈને વાલીઓ પરેશાન છે. સ્કૂલ પોતાની દલીલો આપે છે અને ફીને લઈને અનેક જગ્યાએ સ્કૂલો તરફથી રાહત આપવામાં આવી છે. ગયા વર્ષે અનેક રાજ્યોમાં ફીનો મામલો કોર્ટ પહોંચ્યો હતો. અલગ અલગ રાજ્ય સરકારો તરફથી ફીને લઈને આદેશ આપવામાં આવ્યા હતા જેને લઈને કયાંક સ્કૂલ તો કયાંક વાલી કોર્ટ પહોંચ્યા હતા. ફીનો મામલો દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે અને હવે આ બાબતે સુપ્રીમ કોર્ટ તરફથી નિર્દેશો જારી કરવામા આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે એક મોટા ફેંસલામાં સ્કૂલોને આદેશ આપ્યો છે કે તેઓ વિદ્યાર્થીઓ પાસેથી ૨૦૨૦-૨૧ની વાર્ષિક ફી લઈ શકે છે પરંતુ તેમા ૧૫ ટકાનો ઘટાડો કરે કારણ કે વિદ્યાર્થીઓને તેઓ દ્વારા એ સુવિધા નથી અપાતી જે સ્કૂલે હોય ત્યારે અપાય છે. જસ્ટીસ એ.એમ. ખાનવીલકરની પીઠે આદેશ આપ્યો છે કે ફી ૬ હપ્તામાં ૫ ઓગષ્ટ સુધી લઈ શકાશે અને ફી નહી દેવા પર ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનું પરિણામ રોકી નહિ શકાય અને તેઓને પરિક્ષામાં બેસતા પણ અટકાવી શકાશે નહિ. કોર્ટે કહ્યુ છે કે જે કોઈ માતા-પિતા ફી દેવાની સ્થિતિમાં ન હોય તો સ્કૂલ તે અંગે વિચાર કરશે પરંતુ એ વિદ્યાર્થીનું પરિણામ અટકાવી નહિ શકાય.

કોર્ટે સ્કૂલોને સત્ર ૨૦૨૦-૨૧ની ફી લેવાની પરવાનગી આપી છે. કોર્ટે ખાનગી સ્કૂલોને આદેશ આપ્યો છે કે તેઓ છાત્રો પાસેથી રાજ્ય કાનૂન હેઠળ નિર્ધારીત વાર્ષિક વસુલી કરી શકે છે જો કે કોર્ટે એવો આદેશ આપ્યો છે કે સ્કૂલોએ વાર્ષિક ફીમાં ૧૫ ટકાનો ઘટાડો કરવો પડશે.

સુપ્રીમ કોર્ટે આ ફેંસલો રાજસ્થાનની ખાનગી સ્કૂલોની અપીલ પર આપ્યો છે. સાથોસાથ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના ફેંસલા પર રોક લગાવી છે જેમા સ્કૂલ ફીના ૭૦ ટકા જ ટયુશન ફીના સ્વરૂપમાં લેવાના આદેશ આપવામાં આવ્યા હતા. જો કે વાલીઓ ઈચ્છતા હતા કે કોરોનાના કારણે ખાનગી સ્કૂલોની ફી માફ થવી જોઈએ પરંતુ સ્કૂલવાળા તૈયાર નહોતા. બાદમાં મામલો હાઈકોર્ટમાં પહોંચ્યા હતો. બાદમાં હાઈકોર્ટે ફેંસલો સંભળાવ્યો હતો કે સ્કૂલ સંચાલકો ૭૦ ટકા જ ફ ી લ્યે પરંતુ આનાથી ખાનગી સ્કૂલો રાજી નહોતી તેથી તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અને પુરી ફી લેવા અપીલ કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ફેંસલા પર રોક લગાવી છે અને અરજદારોની અરજીને પણ ફગાવી દીધી છે.

(11:15 am IST)