Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

કોરોના દર્દીને ૭ કિમી દૂર હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બુલન્સના ડ્રાઈવરે માગ્યા ૯ હજાર

દિલ્હી પોલીસે એક એમ્બુલન્સ ચાલકની ધરપકડ કરી છેઃ હોસ્પિટલના પાર્કિંગમાં રાહ જોવા માટે વધુ ૫ હજાર રૂપિયા માગ્યા

નવી દિલ્હી,તા.૪:  કોરોના વાયરસની આ મહામારીમાં જયાં લોકોને એકબીજાની મદદની જરૂર છે ત્યાં કેટલાંક લોકો સેવા કરવાની જગ્યાએ મોટી રકમ વસૂલવામાં પણ શરમ અનુભવતા નથી. દિલ્હી પોલીસે એક એમ્બુલન્સચાલકની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, એમ્બુલન્સચાલકે કોરોનાના દર્દીને હોસ્પિટલ લઈ જવા માટે રૂપિયા ૯ હજાર જેટલું ભાડું વસૂલ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, સોનુ તિવારીએ રવિવારે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે એમ્બુલન્સચાલકે બીમાર એવા મારા ભાઈને હોસ્પિટલ લઈ જવા માટે રૂપિયા ૯ હજાર જેટલું ભાડું વસૂલ્યું હતું.

માત્ર ૭ કિલોમીટરના અંતરે આવેલી હોસ્પિટલ સુધી લઈ જવા માટે એમ્બુલન્સચાલકે ૯ હજાર રૂપિયા ભાડું વસૂલ્યું હતું. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસે એક નકલી ગ્રાહકને તે આરોપી એમ્બુલન્સચાલક પાસે મોકલ્યો અને દર્દીને હોસ્પિટલ લઈ જવા માટેની વાત કરી.

આરોપી એમ્બુલન્સચાલકે માત્ર ૧૦ કિમી દૂર હોસ્પિટલ સુધી દર્દીને લઈ જવા માટે ૯ હજાર રૂપિયા ભાડું માગ્યું. સાથે જ હોસ્પિટલના પાર્કિંગમાં રાહ જોવા માટે વધુ ૫ હજાર રૂપિયા માગ્યા. આખરે આ ડીલ નક્કી કરીને એમ્બુલન્સચાલકે ૮૫૦૦ રૂપિયા લીધા અને તેણે જેવી આ રકમ સ્વીકારી કે તરત તેની ધરપકડ કરવામાં આવી.

(10:50 am IST)