Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

બે કલાકમાં રીતરિવાજ પ્રમાણે લગ્ન કઈ રીતે પતાવવા? પંડિતોની મુશ્કેલી

મુંબઈ,તા.૪: કોરોના વાઈરસની મહામારીને કારણે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આકરા પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા, જેમાં લગ્નપ્રસંગમાં ફકત ૨૫ મહેમાનોને બોલાવવાની સાથે બે કલાકમાં લગ્નપ્રસંગ પૂરા કરવાનો આદેશ આપ્યો હતો. આમ છતાં કોરોનાના પ્રકોપને કારણે વર-વધૂ પક્ષના મહેમાનોની સંખ્યા મર્યાદિત રાખવામાં મુશ્કેલી પડી રહી છે, પરંતુ તેની વચ્ચે પંડિતોને બે કલાક માટે હોલના બુકિંગની શરતોથી સૌથી વધારે પરેશાની પડી રહી છે. બે કલાકમાં હિન્દુ રીતરિવાજ પ્રમાણે લગ્ન કઈ રીતે પતાવવા એની પણ વિમાસણ ઊભી થઈ છે.

સરકારના આદેશ પ્રમાણે હોલનું બુકિંગ બે કલાક માટે રાખવામાં આવે છે. આ સંજોગોમાં હોલમાં લગ્નપ્રસંગ તેમ જ પૂજાપાઠ માટે તૈયારી કરવામાં આવે છે, પરંતુ તેમાં મુશ્કેલી પડી રહી છે. આ બધી તૈયારી માટે પણ ત્રણથી ચાર કલાકનો સમય જરૂરી છે, એમ એક પંડિતે જણાવ્યું હતું.

લગ્ન માટે શોર્ટ કટ અપનાવવામાં આવે તો પણ બે કલાકમાં તો કોઈ કાળે પૂરા થાય નહીં તેના માટે સમય તો લાગે છે.

લગ્નની વિધિમાં અઢી કલાકનો તો સમય લાગી શકે. એટલું જ નહીં. લગ્ન માટે પંડિત કોઈ પણ પ્રકારે શોર્ટ-કટ અપનાવે તો પણ હોલના બુકિંગ માટે ચાર કલાક માટે મંજૂરી મળવી જોઈએ. બીજા એક પંડિતે કહ્યું હતું કે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે પણ બે કલાકમાં તો લગ્ન પૂરા કરવાનું મુશ્કેલ રહે છે.

હોલમાં એન્ટ્રી વખતે જ કાંઈ લગ્ન ચાલુ કરવાનું શકય નથી. લગ્નમાં વર-વધૂ પક્ષના મહેમાનોની પણ સંખ્યા મર્યાદિત રાખવા મુદ્દે કયારેક વિવાદ થાય છે. આ બધાની વચ્ચે મેરેજ હોલના માલિકોનું કહેવું છે કે નવા આદેશોનું પાલન કરવાનું સૌથી મોટી માથાકૂટ છે.

(10:49 am IST)