Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

બિલ અને મેલિંડા ગેટ્સના ૨૭ વર્ષના લગ્ન જીવનનો અંત

હવે અમે એક સાથે આગળ વધી શકીએ તેમ નથી

 

વોશિંગ્ટન,તા.૪:  માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને તેમના પત્નીનો ૨૭ વર્ષના લગ્ન જીવનનો અંત આવી ગયો છે. બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. એક નિવેદન બહાર પાડીને બિલ અને મેલિન્ડાએ કહ્યું કે અમે અમારા લગ્નને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. અમને લાગે છે કે અમે જીવનના એવા વળાંક પર આવી ગયા છીએ કે હવે અમે એક સાથે આગળ વધી શકીએ તેમ નથી.

બિલ ગેટ્સે આ અંગે એક ટ્વીટ કરી. જેમાં તેમણે લખ્યું છે કે અમે અમારા સંબંધ પર ખુબ વિચાર કર્યો. છેલ્લે અમે આ સંબંધને ખતમ કરવાનો નિર્ણય લીધો. હવે અમે એક સાથે આગળ વધી શકીએ તેમ નથી. અમે બંને અલગ અલગ પોતાની પ્રાઈવસી ઈચ્છીએ છીએ અને જીવનના એક નવા તબક્કા તરફ આગળ વધવા માંગીએ છીએ.

ડિવોર્સ બાદ બિલ અને મેલિન્ડા ગેટ્સના આર્થિક સંબંધ કેવા રહેશે, આ અંગે વધુ જાણકારી સામે આવી નથી. અત્રે જણાવવાનું કે બંને પરોપકારી કાર્યોમાં લાગેલી સંસ્થા બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. જેને વર્ષ ૨૦૦૦માં લોન્ચ કરાઈ હતી. બિલ અને મેલિન્ડાની મુલાકાત ૧૯૮૭માં માઈક્રોસોફ્ટમાં થઈ હતી. મેલિન્ડાએ પ્રોડકટ મેનેજર તરીકે કંપની જોઈન કરી હતી. બંને વચ્ચે એક બિઝનેસ ડિનરના અવસરે વાતચીત થઈ અને પછી વાત આગળ વધતી ગઈ.

પોતાના સંબંધને ખતમ કરવાની જાહેરાત અગાઉ બિલ ગેટ્સે રસી અને વિકાસશીલ દેશો અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સ્કાય ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યુમાં જયારે બિલ ગેટ્સને પૂછવામાં આવ્યું કે શું ઈન્ટલેકચ્યુઅલ પ્રોપર્ટી લોને બદલવો શકય બનશે, જેનાથી કોવિડ રસીનો ફોર્મ્યુલા શેર કરવામાં સક્ષમ થઈ શકાય. જેનો જવાબ આપતા બિલ ગેટ્સે કહ્યું હતું કે 'કોરોના રસીનો ફોર્મ્યુલા વિકાસશીલ દેશોને આપવો જોઈએ નહીં. આ કારણસર વિકાસશીલ અને ગરીબ દેશોએ થોડા સમય રાહ જોવી પડી શકે છે પરંતુ તેમને રસીનો ફોર્મ્યુલા મળવો જોઈએ નહીં.'

(10:49 am IST)