Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ઝાયડસ કેડિલાએ કોરોના માટે દવાના ઉપયોગની મંજુરી માગી

વિશ્વભરમાં કોરોનાનો વધતો કહેર : પેગીલેટેડ ઈન્ટરફેરોન અલ્ફા-૨બીની ત્રીજા ચરણના ક્લીનિકલ ટ્રાયલમાં આ દવા વડે સારા પરિણામ મળ્યાનો કંપનીનો દાવો

નવી દિલ્હી, તા. : ભારત અને અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનું સંક્રમણ ફરીથી ખૂબ ઝડપથી વ્યાપી રહ્યું છે. કોરોના વિરૂદ્ધ વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલુ છે અને તે સિવાય અનેક પ્રકારની દવાઓ પણ શોધવામાં આવી રહી છે. ત્યારે દવા બનાવતી પ્રખ્યાત કંપની ઝાયડસ કેડિલાએ ડીસીજીઆઈ પાસે હિપેટાઈટીસની એક દવાનો કોરોનાની સારવારમાં ઉપયોગ કરવા મંજૂરી માંગી છે. દવાનું નામ પેગીલેટેડ ઈન્ટરફેરોન અલ્ફા-૨બી છે. ઝાયડસ કેડિલાના કહેવા પ્રમાણે પેગીલેટેડ ઈન્ટરફેરોન અલ્ફા-૨બીની ત્રીજા તબક્કાની ક્લીનિકલ ટ્રાયલમાં દવા વડે કોરોનાની સારવારમાં ઉત્સાહજનક પરિણામ મળ્યા છે. હકીકતે કંપની દવાને 'પેગીહેપ' બ્રાન્ડના નામથી વેચે છે. કંપનીએ જણાવ્યું કે, શરૂઆતમાં દવાનો ઉપયોગ કરવામાં આવે તો દર્દી સંક્રમણમાંથી ખૂબ ઝડપથી બહાર આવે છે અને તેમને કોઈ મુશ્કેલી પણ નથી પડતી.

ગત વર્ષે ચીન, ઓસ્ટ્રેલિયા અને કેનેડા યુનિવર્સિટીના એક જૂથે વુહાનમાં કોરોના દર્દીઓનો અભ્યાસ કર્યો હતો. તેમાં જે લોકોને ઈન્ટરફેરોન અલ્ફા-૨બી દવા આપવામાં આવી હતી તેમનામાં વાયરસ ફેલાવાના સમયમાં ખૂબ ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું હતું.

(8:08 pm IST)