Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

રાહુલ ગાંધીનો ચૂંટણી વાયદો

કેરળમાં બની કોંગ્રેસ સરકાર તો ગરીબોને મળશે ૭૨ હજાર

કોંગ્રેસની ન્યાય યોજનાને લાગુ કરીશું : રાહુલ ગાંધી

કોચી તા. ૫ : દક્ષિણના રાજયમાં ચૂંટણી પહેલા પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નિમોમ વિસ્તારમાં બે સ્થળે ઓટો રિક્ષામાં સવારી કરી હતી. આના માધ્યમથી તેમણે વધતા પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવો પર કેન્દ્રની ભાજપ-એનડીએ સરકારને ઘેરી લીધી હતી. અગાઉ યુડીએફની બેઠકમાં તેમણે કહ્યું હતું કે તેમની 'ન્યૂનતમ આવક યોજના' (ન્યાય) હેઠળ કેરળના જો તેમનું ગઠબંધન જીતશે તો દરેક ગરીબ વ્યકિતને તેઓ ચોક્કસપણે દર મહિને છ હજાર રૂપિયા અપાવશે.

નિમોમમાં રાહુલ ગાંધીએ રવિવારે સાંજે એક ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. જેના માટે તેઓ ઓટોરિક્ષામાં બેસીને અહીં પહોંચી ગયા હતા અને બધાને ચોંકાવી દીધા. મહત્વનું છે કે અહીંના સાંસદ કે મુરલીધરન કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફથી ઉમેદવાર છે. આ બેઠક ઉપર એલડીએફ, યુડીએફ અને ભાજપ વચ્ચે ત્રિકોણીય હરીફાઈ છે, અહીં રાહુલ ગાંધીએ નિમોમમાં પાર્ટીના કાર્યકરોને સંબોધન કરતાં કહ્યું હતું કે તે અહીં ઓટો રિક્ષામાં આવ્યા હતા ત્યારે ડ્રાઈવરે કહ્યું કે તે પોતાનું ગુજરાન નથી ચલાવી શકતો કારણ કે તેની બધી કમાણી ઈંધણ ખરીદવામાં જ જઇ રહી છે.

કોંગ્રેસ નેતાએ સવાલ ઉઠાવ્યો કે ભાજપ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કરે છે અને લોકોના પૈસા તેમના મિત્રોને આપે છે. તે અહીં આવીને તમારી પાસેથી મત માંગવાની હિંમત કેવી રીતે કરશે? દિવસની શરૂઆતમાં, ગાંધી કાલપેટન એરસ્ટ્રીપમાં પણ એક ઓટો રાઇડ લઈ ગયા હતા.

પોતાના સંસદીય મત વિસ્તાર વાયનાડમાં મંથલાવદ્ય વેલમુંદા ખાતે યોજાયેલ યુડીએફની બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે રાજયના દરેક ગરીબ વ્યકિતને 'ન્યૂનતમ આવક યોજના' (ન્યાય) હેઠળ દર મહિને છ હજાર રૂપિયા ચોક્કસપણે મળશે જયારે અહીં યુડીએફની સરકારની રચના થશે. યુડીએફ કેટલીક ક્રાંતિકારી યોજનાઓ લાવી રહ્યું છે. ભારતના કોઈ પણ રાજયમાં આ પ્રકારનો પ્રયાસ પહેલા કયારેય થયો નથી.

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આ એવો વિચાર એવો છે કે અમે સીધા કેરળના ગરીબ લોકોના હાથમાં પૈસા આપવાના છીએ. થોડી રકમ નહીં. કેરળના દરેક ગરીબ વ્યકિતને તેમના ખાતામાં દર વર્ષે ૭૨,૦૦૦ રૂપિયા એટલે કે ચોક્કસપણે છ હજાર રૂપિયા મળશે. કેરળની ડાબેરી સરકારને પરાજિત કરવાના આશયથી તેમણે આ મોટો ચૂંટણી દાવ લગાવી દીધો છે.

મહત્વનું છે કે રાહુલ ગાંધીએ ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી દરમિયાન લાવવામાં આવેલી કોંગ્રેસની 'ન્યાય' યોજના વિશે કહ્યું હતું કે, તે ખૂબ જ પરિવર્તન લાવી શકે છે અને ગરીબી પર અંતિમ પ્રહાર કરશે. ગયા અઠવાડિયે કોંગ્રેસના પૂર્વ વડાએ કહ્યું હતું કે તેઓ કેરળમાં આ યોજનાનું 'પરીક્ષણ' કરવા માગે છે, કારણ કે જો તે અહીં સફળ થાય છે, તો તે દેશના તમામ કોંગ્રેસ શાસિત રાજયોમાં તેને લાગુ કરવા માંગે છે.

(10:14 am IST)