Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

રાફેલ સોદામાં ભ્રષ્ટાચારઃ વચેટિયાને એક મિલિયન યુરોની 'ગિફટ'

ભારત-ફ્રાન્સ વચ્ચે ૨૦૧૬-૧૭માં થયેલા રાફેલ લડાકુ વિમાન સોદામાં ભ્રષ્ટાચારનું ભૂત ફરી બહાર આવ્યું: ફ્રાન્સનું એક પબ્લિકેશન સનસનાટી મચાવે છે : રાફેલ બનાવતી કંપની દસોલ્ટે ભારતમાં એક વચેટિયાને એક મિલિયન યુરોની ગિફટ આપી હોવાનો ધડાકોઃ રાફેલ ડીલને લઈને ફરી ઉભા થવા લાગ્યા સવાલ

નવી દિલ્હી, તા. ૫ :. ભારત અને ફ્રાન્સ વચ્ચે ૨૦૧૬-૧૭માં થયેલા કરોડો રૂપિયાના રાફેલ લડાકુ વિમાન સોદામાં ફરી એક વખત ભ્રષ્ટાચારનું ભૂત બહાર આવ્યુ છે. ફ્રાન્સના એક પબ્લિકેશન દાવો કર્યો છે કે રાફેલ બનાવતી ફ્રાન્સીસી કંપની દર્સોલ્ટે ભારતમાં એક વચેટીયાને એક મિલીયન યુરો ગીફટમા આપ્યા હતા. ફ્રાન્સીસી મિડીયાના આ ખુલાસા બાદ ફરી એક વખત બન્ને દેશોમાં રાફેલની ડીલને લઈને સવાલો ઉભા થવા લાગ્યા છે.

ફ્રાન્સના પબ્લિકેશન મિડીયા પાર્ટે પોતાના એક રીપોર્ટમાં દાવો કર્યો છે કે ૨૦૧૬માં જ્યારે ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ સમજુતી થઈ હતી ત્યારે દર્સોલ્ટે ભારતમાં એક વચેટીયાને આ રકમ આપી હતી. ૨૦૧૭મા દર્સોલ્ટ ગ્રુપના એકાઉન્ટમાંથી ૫૦૮૯૨૫ યુરો 'ગિફટ ટુ કલાયન્ટસ' તરીકે ટ્રાન્સફર થયા હતા.

આ બાબતનો ખુલાસો ત્યારે થયો કે જ્યારે ફ્રાન્સની ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીએ દસોલ્ટના ખાતાનું ઓડીટ કર્યુ હતુ. મિડીયા પાર્ટના રિપોર્ટ અનુસાર ખુલાસો થયા બાદ દસોલ્ટે સ્પષ્ટતામાં કહ્યુ હતુ કે આ પૈસાનો ઉપયોગ રાફેલ લડાકુ વિમાનના ૫૦ મોટા મોડલ બનાવવામાં થયો હતો, પરંતુ આવા કોઈ મોડેલ બન્યા જ નહોતા.

ફ્રાન્સીસી રીપોર્ટમાં દાવો છે કે ઓડીટમાં આ બાબત સામે આવ્યા બાદ પણ એજન્સીએ કોઈ પગલા લીધા ન હતા જે ફ્રાન્સના રાજનેતાઓ અને જસ્ટીસની મીલીભગતને દર્શાવે છે. ફ્રાન્સમાં ૨૦૧૮માં એક એજન્સી પીએનએફએ આ ડીલમાં ઘાલમેલની વાત કહી હતી ત્યારે પણ ઓડીટ થયુ હતુ અને આ બાબત સામે આવી હતી.

એજન્સીએ પોતાના રીપોર્ટમાં દાવો કર્યો હતો કે દસોલ્ટ ગ્રુપ દ્વારા ગીફટ કરવામાં આવેલ રકમ મામલે પોતાનો બચાવ કરવામાં આવ્યો હતો. રીપોર્ટ અનુસાર ભારતીય કંપની ડેફસાઈસ સોલ્યુશને પોતાના ઈનવોઈસથી એ બતાવ્યુ હતુ કે જે ૫૦ મોડલ તૈયાર થયા છે તેની અડધી રકમ આપવામાં આવી હતી. દરેક મોડલની કિંમત લગભગ ૨૦,૦૦૦ યુરોથી વધુ હતુ.

જો કે બધા આરોપો પર દસોલ્ટ ગ્રુપ પાસે કોઈ જવાબ નહોતો અને તેણે ઓડીટ એજન્સીને જવાબ આપ્યા ન હતા. સાથોસાથ કંપનીએ એ પણ નથી જણાવ્યુ કે આખરે તેણે આ ગીફટની રકમ કોને અને શા માટે આપી હતી જે ભારતીય કંપનીનું નામ આ રીપોર્ટમાં લેવામાં આવ્યુ છે તે અગાઉ પણ વિવાદમાં હતી. રીપોર્ટ અનુસાર કંપનીનો માલિક પહેલા અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડમાં જેલ જઈ ચૂકયો છે.

અત્રે નોંધનીય છે કે સોદા અનુસાર ફ્રાન્સથી હાલ વિમાનો આવી રહ્યા છે. ભારતે ૩૬ વિમાનનો કરાર કર્યો છે. લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસે ભ્રષ્ટાચાર મામલે મોદી સરકારને આડે હાથ લીધી હતી.

(10:04 am IST)