Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ખેડૂત આંદોલનને 100 દિવસ પૂર્ણ : રાકેશ ટિકૈતે કહ્યું -ગુજરાતને આઝાદ કરાવવાનું છે, ખેડૂતો બંધનમાં છે

દિલ્હીના સિંધૂ બોર્ડરથી લઇ ગાજીપુર બોર્ડર પર હજુ પણ ખેડૂતો પ્રદર્શન યથાવત

નવી દિલ્હી : દિલ્હીના સિંધૂ બોર્ડરથી લઇ ગાજીપુર બોર્ડર પર હજુ પણ ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. ક્યારેક ટેન્ટ વધે છે તો ક્યારેક ઘટે છે, ક્યારેક ટ્રેક્ટરોની સંખ્યા વધી જાય છે તો ક્યારેક ઘટી જાય છે, ખેડૂતોની સંખ્યા વધતી-ઘટતી રહે છે. આંદોલનની રૂપરેખા પણ પ્રથમ દિવસથી 100માં દિવસ સુધી કઇક બદલાઇ ગઇ છે. એક વાત છે જે નથી બદલાઇ, તે છે ખેડૂતોનું વલણ, જે હજુ પણ કહે છે કે જ્યાર સુધી તેમની માંગો માનવામાં નથી આવતી ત્યાર સુધી તે બોર્ડર ખાલી નહી કરે. આ દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ટ્વીટ કર્યુ છે કે, બંગાળના ખેડૂત પણ આંદોલન સાથે જોડાઇ રહ્યા છે, ગુજરાતને આઝાદ કરાવવાનું છે, ગુજરાત બંધનમાં છે

    ઉતાર-ચઢાવ ભરેલા આ આંદોલન માટે કેટલીક તારીખો ઇતિહાસમાં દર્જ થઇ ગઇ છે. જ્યારે આંદોલન ખતમ થશે તો દેશના ઇતિહાસમાં સતત ચાલેલા આંદોલનમાં સૌથી લાંબા સમય સુધી ચાલનારા આંદોલનમાં તેની ગણના થવી પણ નક્કી છે. આ આંદોલનની કેટલીક મહત્વની તારીખો પણ રહી છે. ખેડૂત આંદોલનની કેટલીક આવી જ તારીખો દ્વારા અમે અત્યાર સુધી આંદોલનની તસવીર બતાવી રહ્યા છીએ.

પંજાબ અને હરિયાણાથી નીકળેલા ખેડૂતોના જથ્થાએ દિલ્હી તરફ કૂચ કરી હતી. પંજાબ-હરિયાણાની સીમા પર વિવાદ થયો હતો. શંભુ બોર્ડર પર ટકરાવ છતા ખેડૂત આગળ વધતા ગયા હતા. રાત્રે ખેડૂતો તમામ મુશ્કેલી અને હરિયાણા પોલીસના પડકારનો સામનો કરતો સિંઘુ બોર્ડર પહોચ્યા હતા. જ્યા તેમણે દિલ્હી પોલીસે રોકી લીધા હતા. “દિલ્હી ચલો”ના અભિયાન દિલ્હીની સરહદોની અંદર આવી શક્યુ નહતું, તે પછી દિલ્હીના બુરાડી મેદાનમાં પ્રદર્શનની પરવાનગી આપવામાં આવે જેને ખેડૂતોએ ફગાવી દીધી હતી.

1 ડિસેમ્બરથી સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીતનો તબક્કો શરૂ થયો. પ્રથમ તબક્કાની બેઠક બાદ એક પછી એક એમ 11 તબક્કાની વાતચીત સરકાર અને આશરે 40 ખેડૂત સંગઠનના નેતાઓ વચ્ચે થઇ હતી. અલગ-અલગ પ્રસ્તાવો છતા, ખેડૂત ત્રણ કાયદાની વાપસી અને ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર કાયદો બનાવવાની માંગ પર અડગ રહ્યા હતા. સરકારે કાયદાને લગભગ દોઢ વર્ષ સુધી સ્થગિત કરવા સુધીનો પણ પ્રસ્તાવ આપ્યો હતો, જેને ખેડૂતોએ સર્વસમ્મતિથી ફગાવી દીધો હતો.

 

8 ડિસેમ્બરે ખેડૂત સંગઠનોએ ત્રણ કલાક ભારત બંધની જાહેરાત કરી હતી. કેટલીક જગ્યાએ ટ્રાફિક રોકવામાં આવ્યો હતો, બજારને પણ બંધ રાખવાનું ખેડૂત સંગઠનોએ આહવાન કર્યુ હતું, જેની અસર કેટલાક રાજ્ય સિવાય દેશમાં નજીવી જોવા મળી હતી

 

ખેડૂતોએ સૌથી પહેલા રસ્તા પર પોતાનો દમ ત્યારે બતાવ્યો જ્યારે ત્રણ બોર્ડરથી ખેડૂત સંગઠનોની ટ્રેક્ટર રેલી નીકળી હતી. આ ટ્રેક્ટર રેલીએ પ્રથમ વખત એમ જણાવ્યુ કે કેવી રીતે ખેડૂત એક મોટી રેલી આયોજિત કરી શકે છે. જોકે, આ ટ્રેક્ટરક રેલી દિલ્હીની સરહદ બહારથી જ આયોજિત કરવામાં આવી હતી પરંતુ લાઇનમાં ભેગા થયેલા ટ્રેક્ટરોએ એકજૂટતાનો મેસેજ આપ્યો હતો.

16 ડિસેમ્બરે બોર્ડર બંધ થવાની તકલીફોને લઇને સુપ્રીમ કોર્ટે સુનાવણી શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટે બોર્ડર ખાલી કરાવવાને લઇને કોઇ આદેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો પરંતુ સાથે જ કેન્દ્રને સૂચન આપ્યુ કે કાયદાનો અમલ સ્થગિત કરવા એક કમિટી બનાવવામાં આવી શકે છે, જે ખેડૂતોની માંગો પર ધ્યાન આપે. જ્યારે કેટલાક તબક્કાની વાતચીત બાદ પણ ખેડૂત આંદોલન અને સરકાર ગતિરોધ ખતમ કરવામાં નિષ્ફળ રહ્યા તો 12 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે ત્રણ કાયદાના અમલ પર રોક લગાવી દીધી હતી. સાથે જ એક ચાર સભ્યોની કમિટીની રચના કરવામાં આવી, જેના બે મહિનાની અંદર રિપોર્ટ આપવા કહેવામાં આવ્યુ પરંતુ કમિટી સાથે જોડાયેલા ખેડૂત યૂનિયનના સભ્યોએ પોતાનું નામ પરત લઇ લીધુ.

 

કિસાન યૂનિયન અને પોલીસ વચ્ચે બેઠકો બાદ ગણતંત્ર દિવસની ટ્રેક્ટર રેલીનો રૂટ નક્કી કરવામાં આવ્યો પરંતુ ટ્રેક્ટર રેલી નક્કી સમય પહેલા જ દિલ્હીની સરહદોમાં પ્રવેશ કરી ગઇ. નક્કી રૂટ સિવાય પણ ખેડૂતોના કેટલાક જૂથોએ આઇટીઓ અને લાલ કિલ્લા તરફ કૂચ કરી દીધી હતી. રસ્તા પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ટકરાવ થયો, હિંસા થઇ અને લાલ કિલ્લા પર ખેડૂતોનો એક જથ્થો પહોચી ગયો અને ત્યા શિખોના ધાર્મિક ઝંડાને ફરકાવ્યો હતો

 

26 જાન્યુઆરીની ઘટના બાદ જ્યારે એવુ લાગી રહ્યુ હતું કે આંદોલન ખતમ થવા જઇ રહ્યુ છે. પોલીસ અને સુરક્ષા દળોએ 28 જાન્યુઆરીએ ગાજીપુર બોર્ડર ખાલી કરાવવાની તૈયારી પણ કરી લીધી હતી. પોલીસ આંદોલનના સ્ટેજ પર ખેડૂત નેતા રાકેશ ટિકૈતની ધરપકડ કરવા પહોચી હતી પરંતુ ત્યારે ટિકૈતના આંસુઓએ આખા પ્રદર્શનને નવી દિશા આપી દીધી હતી. અડધી રાત્રે સુરક્ષા દળોએ પરત ફરવુ પડ્યુ હતું અને આંદોલનનો નવો તબક્કો શરૂ થયો હતો.

 

આંદોલનના આ તબક્કામાં પંચાયત અને મહાપંચાયતોનો તબક્કો શરૂ થયો હતો. બોર્ડર સિવાય પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં પંચાયત અને મહાપંચાયતનો તબક્કો ચાલુ છે. રાકેશ ટિકૈત સિવાય કેટલાક મહત્વપૂર્ણ ખેડૂત નેતા તેમની આગેવાની કરી રહ્યા છે. ખેડૂત નેતાઓએ ચૂંટણી રાજ્યમાં પણ પંચાયત કરવાની જાહેરાત કરી છે

(9:07 pm IST)