Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

હૈદ્રાબાદના ૫૦ ટકા લોકો કોરોનાથી સંક્રમિત થયા છે

ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ દ્વારા સરવે : સર્વે પ્રમાણે ૫૪ ટકા લોકોમાં કોરોના સામેની એન્ટીબોડીઝ મળી છે, આ લોકોને ક્યારેક કોરોના થઈ ચુક્યો હશે

નવી દિલ્હી, તા.૫ : કોરોનાનુ સંક્રમણ દેશમાં હજી પણ યથાવત છે અને તેલંગાણાની રાજધાની હૈદ્રાબાદમાં થયેલા સર્વેમાં તો ચોંકાવનારી જાણકારી સામે આવી છે.

ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ દ્વારા હૈદ્રાબાદમાં કરાયેલા સર્વે બાદ એવુ તારણ નિકળ્યુ છે કે, અત્યાર સુધીમાં હૈદ્રાબાદ શહેરના પચાસ ટકા લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. સર્વે પ્રમાણે ૫૪ ટકા લોકોમાં કોરોના સામેની એન્ટીબોડીઝ મળી છે અને તે બતાવે છે કે, આ લોકોને ક્યારેક ને ક્યારેક કોરોના થઈ ચુક્યો હશે. કારણકે જેમને કોરોના થયો હોય છે તેમના શરીરમાં કોરોના સામે લડવા માટેની રોગ પ્રતિકારક શક્તિ ઉભી થતી હોય છે. જેને એન્ટીબોડીઝ કહેવામાં આવે છે.

બીજી તરફ આ પૈકીના ૭૫ ટકા લોકોને તો કોરોના થયો હોવાની જાણકારી મળી નહોતી. કારણકે તેમને કોરોનાના કોઈ જાતના લક્ષણ મહેસૂસ થયા નહોતા. આ સર્વે માટે ૯૦૦૦ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ૫૬ ટકા મહિલાઓમાં અને ૫૩ ટકા પુરુષોમાં એન્ટીબોડી જોવા મળ્યા હતા. ૭૦ વર્ષથી વધારે વયના લોકોમાં તેનુ પ્રમાણ ઓછુ જોવા મળ્યુ હતુ.

જાણકારોનુ માનવુ છે કે, આ સર્વેનુ એક અર્થઘટન એવુ પણ થઈ શકે કે, હૈદ્રાબાદ સમયની સાથે હર્ડ ઈમ્યુનિટી તરફ આગળ વધી રહ્યુ છે. કોરોનાની વેક્સીન આપવાના કારણે તેમાં વધારે વેગ આવશે.

(7:47 pm IST)