Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

લ્‍યો બોલો... નફો કરતી કંપનીઓનું પણ થશે ખાનગીકરણ

આવતા મહિને નીતિ આયોગ જાહેર ક્ષેત્રની કંપનીઓની યાદી બહાર પાડશે : સરકાર ૧.૭૫ લાખ કરોડ ઉભા કરવા માંગે છે : નફો કરતી વ્‍યુહાત્‍મક અને નોન વ્‍યુહાત્‍મક સેકટરના એકમો ખાનગી હાથોમાં સોંપી દેવાશે

નવી દિલ્‍હી તા. ૫ : કેન્‍દ્ર સરકાર પોતાના પહેલાના વલણને બદલાવીને હવે નફો કરનારા ઉપક્રમોના ખાનગીકરણની નીતિ પર આગળ વધી શકે છે. આ પહેલા સરકારે ખોટ કરતા જાહેર એકમોને બંધ કરવાની અથવા વિલયની વાત કરી હતી.

સરકારની વૈચારિક સંસ્‍થાન નીતિ આયોગ ખાનગીકરણ માટે જાહેર ક્ષેત્રના ઉપક્રમોની યાદી તૈયાર કરવાની પ્રક્રિયામાં છે. એવી શક્‍યતા વ્‍યકત કરાઇ રહી છે કે પહેલી યાદીમાં બીન-રણનીતિક ક્ષેત્રની કંપનીઓની સાથે એ કંપનીઓ પણ સામેલ થઇ શકે છે. જેમાં હિસ્‍સો વેચવા માટે મંત્રીમંડળની મંજૂરી મળી ચૂકી છે.

આ બાબતની માહિતી ધરાવતા એક સિનીયર અધિકારીએ કહ્યું કે સીલેકટ કરાયેલ કંપનીઓને ૩-૪ હપ્‍તામાં લેવામાં આવશે અને પહેલી યાદીમાં બિન-રણનીતિક ક્ષેત્રની કંપનીઓ હશે. ત્‍યાર પછી રણનીતિક ક્ષેત્રની કંપનીઓના ખાનગીકરણ પર ધ્‍યાન કેન્‍દ્રીત કરાશે. તેમણે કહ્યું કે, આ અંગેનો પહેલો રિપોર્ટ એપ્રીલના પહેલા સપ્‍તાહમાં આવી જવાની આશા છે.

નીતિ આયોગનો દ્રષ્‍ટિકોણ વિનીવેશ અને સંપત્તિઓના મુદ્રીકરણ નીતિ માટે સરકારની નવી રણનીતિને અનુરૂપ છે, જેમાં ખાનગીકરણ પર સ્‍પષ્‍ટ ધ્‍યાન રહેશે. વડાપ્રધાન મોદી દ્વારા ખાનગીકરણના પક્ષમાં બયાન આવ્‍યા પછી કંપનીઓને સીલેકટ કરવાની પ્રક્રિયામાં ઝડપ આવી છે. વડાપ્રધાને કહ્યું હતું કે, સરકારનું કામ બીઝનેસ કરવાનું નથી. સૂત્રોએ કહ્યું કે, આ યોજનાને આગામી નાણાંકીય વર્ષમાં ૧.૭૫ લાખ કરોડ રૂપિયાના વિનીવેશ લક્ષ્યને ધ્‍યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.

પ્રધાન મંડળ દ્વારા રણનીતિક વેચાણ માટે મંજુર કરાયેલ કંપનીઓ આ રિપોર્ટમાં સામેલ થઇ શકે છે, જેમાં આઇડીબીઆઇ બેંક, બીપીસીએલ, શિપીંગ કોર્પોરેશન, કન્‍ટેનર કોર્પોરેશન, નીલાચલ ઇસ્‍પાત નિગમ, પવનહંસ અને એર ઇન્‍ડિયા મુખ્‍ય છે. આનું વિનીવેશ નાણાકીય વર્ષ ૨૦૨૨માં પુરૂ થવાની આશા છે. આઇડીબીઆઇ બેંક ઉપરાંત સરકાર આગામી નાણાંકીય વર્ષમાં જાહેર ક્ષેત્રની કંપનીઓ અને નાણાંકીય સંસ્‍થાઓ, બે બેંકો અને એક વીમા કંપનીમાંથી પણ પોતાનો હિસ્‍સો વેચી શકે છે.

સૂત્રોએ કહ્યું કે કંપનીઓના નામો પર અત્‍યારે ચર્ચા ચાલી રહી છે અને બે ત્રણ અઠવાડિયામાં તેને અંતિમ રૂપ આપી શકાય છે. નીતિ આયોગના નેતૃત્‍વમાં એક વર્કફોર્સ નાણામંત્રાલય અને પીએમઓને આ અંગેનો રિપોર્ટ સોંપી શકે છે. કેન્‍દ્ર સરકારનું લક્ષ્ય ગણ્‍યા ગાંઠયા જાહેર સાહસોને જ રણનીતિક ક્ષેત્રમાં રાખવાનું છે, જેમાં રક્ષા, બેંકીંગ, વીમો, પેટ્રોલીયમ, સ્‍ટીલ અને ખાતર સામેલ થઇ શકે છે.

(11:19 am IST)