Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

કોરોનાએ ફરી વધારી ભારતની ચિંતા

નવા કેસને લઈને હવે ભારત પહોંચ્યું ૫માં સ્થાને

દેશમાં કોરોનાના કેસ વધવાના કારણે ભારત ૧૭માં સ્થાનથી ફરી એકવાર ૫માં સ્થાને પહોંચ્યું છે :અમેરિકા, બ્રાઝિલ, ઈટાલી અને ફ્રાન્સ ભારતથી આગળ

નવી દિલ્હી, તા.૫:દેશમાં વધી રહેલા કોરોનાના નવા કેસને લઈને ભારતની ચિંતામાં વધારો થયો છે. નવા કેસના કારણે ભારત ૧૭માં સ્થાનથી ૫માં સ્થાને પહોંચી ચૂકયું છે. અત્યારની સ્થિતિમાં ૪ દેશો અમેરિકા, બ્રાઝિલ, ઈટાલી અને ફ્રાન્સ ભારતથી આગળ જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર ગુરુવારે સવારે ૮ વાગ્યા સુધી ૨૪ કલાકમાં કુલ ૧૭૪૦૭ નવા કેસ આવ્યા છે. જે છેલ્લા એક મહિનામાં સૌથી વધારે છે. આ પહેલા ૨૯ જાન્યુઆરીએ ૨૪ કલાકમાં ૧૮૮૫૫ નવા કેસ આવ્યા હતા. દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને હાલમા ૧,૧૧,૫૬,૯૨૩ પહોંચી છે જયારે ૮૯ અન્ય કોરોના દર્દીના મોત થયા છે. મહામારીમાં મૃતકોની સંખ્યા વધીને ૧,૫૭,૪૩૫ થઈ છે. 

ખાસ વાત એ છે કે ૨-૩ દિવસથી બ્રાઝિલમાં નવા દર્દીના કેસ અમેરિકાથી પણ વધારે આવી રહ્યા છે. વર્લ્ડોમીટર અનુસાર બુધવારે બ્રાઝિલમાં દુનિયામાં સૌથી વધારે ૭૪૩૭૬ નવા કેસ આવ્યા છે જયારે અમેરિકામાં આ સંખ્યા ૬૬૮૭૯ રહી હતી.

અમેરિકામાં ૫૯૫૧૫ નવા કેસ, બ્રાઝિલમાં ૫૨૮૮૫ નવા કેસ, ફ્રાન્સમાં ૧૯૬૫૯ નવા કેસ, ઈટાલીમાં ૧૭૪૩૭ નવા કેસ અને ભારતમાં ૧૫૪૩૫ નવા કેસ આવ્યા છે. મળતી માહિતી અનુસાર ૬૯ ટકાથી વધારે સક્રિય કેસ ફકત ૫ દેશોમાં જોવા મળી રહ્યા છે. દુનિયામાં કોરોનાનો આંક ૧૧.૫૭ કરોડથી વધારે થયો છે. તેમાંથી ૯ કરોડ ૧૪ લાખથી વધારે લોકો સાજા થઈ ચૂકયા છે તો ૨૫.૭ લાખથી વધારે લોકોએ જીવ ખોવ્યા છે. દુનિયામાં કુલ સક્રિય લોકોની સંખ્યા હવે ૨.૧૮ કરોડની છે. 

અમેરિકામાં ૪૦.૮ ટકા, ફ્રાન્સમાં ૧૫.૫ ટકા, બ્રિટનમાં ૦૪.૫ ટકા, બ્રાઝિલમાં ૩.૬ ટકા, બેલ્જિયમમાં ૩.૨ ટકા, ભારત ૦.૭ ટકા કુલ સક્રિય દર્દીઓ ધરાવે છે. સક્રિય દર્દીઓની સંખ્યામાં ભારત અત્યારે ૧૩માં સ્થાને છે. દેશમાં મહામારીથી મૃત્યુ પામનારાની સંખ્યા ઓછી છે પણ સક્રિય કેસ વધી રહ્યા છે. ગુરુવારે સક્રિય કેસમાં ૩૨૮૭ કેસ વધતા કુલ દર્દીની સંખ્યા ૧,૭૩,૪૧૩ થઈ છે. આ સંખ્યા કુલ સંક્રમિતોના ૧.૫૫ ટકા છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૭.૦૩ ટકા થયો છે. સક્રિય કેસની સંખ્યા ઘટીને ૧.૫૫ ટકા થઈ છે પણ મૃત્યુ દર હજુ પણ ૧.૪૧ ટકા રહ્યો છે.

(10:20 am IST)