Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

કાશ્મીરના છાત્રોને ઉચ્ચ શિક્ષણ માટે પાક. શિષ્યવૃત્તી આપે છે

પાકિસ્તાનમાં સરકારની ભારત વિરોધી પ્રવૃત્તી : ડૉક્ટર, એન્જિનિયર બનવા માટે પાકિસ્તાન પહોંચનારા કાશ્મીરી છાત્રોને ત્રાસવાદી-અલગાવવાદી બનાવાઈ છે

નવી દિલ્હી, તા. : પાકિસ્તાન સરકાર પોતાના ભારત વિરોધી એજન્ડાને આગળ વધારવા માટે જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓને એમબીબીએસ, એન્જિનિયરીંગ સહિતની અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને શિષ્યવૃત્તિ આપે છે. ડૉક્ટર અને એન્જિનિયર બનવા માટે પાકિસ્તાન પહોંચનારા કાશ્મીરી વિદ્યાર્થીઓમાં જિહાદી અને અલગાવવાદી માનસિકતાને પ્રોત્સાહન આપી તેમને આતંકવાદી અને અલગાવવાદી બનાવવામાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં ટેરર ફન્ડિંગની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.

તપાસ એજન્સીના અહેવાલ પ્રમાણે આતંકવાદીઓ, હુર્રિયત કોન્ફરન્સ અને પાકિસ્તાન સરકાર વચ્ચે એક ત્રિપક્ષીય ગઠબંધન છે જે પાકિસ્તાન તરફ ઝુકાવ રાખનારા કાશ્મીરી ડૉક્ટર, એન્જિનિયરની એક ફોજ તૈયાર કરવામાં લાગેલું છે.

કટ્ટરપંથી હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાની અને ઉદારવાદી હુર્રિયત નેતા મીરવાઈઝ મૌલવી ઉમર ફારૂક અને તેમના અનેક સાથીદારો પાકિસ્તાનમાં કાશ્મીરી વિદ્યાર્થીઓના દાખલાનો પ્રબંધ કરતા આવ્યા છે. કાશ્મીરી વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને તેમની ભલામણના આધારે સરળતાથી પાકિસ્તાન માટેના વીઝા મળતા હતા.

તપાસમાં મળેલા અહેવાલ પ્રમાણે જે વિદ્યાર્થીઓ પાકિસ્તાન ભણવા ગયેલા છે તેમાંથી મોટા ભાગના કોઈ પૂર્વ આતંકવાદીના સંબંધી છે અથવા તો કોઈ સક્રિય આતંકવાદી સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલા છે. તે સિવાય હુર્રિયત નેતાઓ કાશ્મીરના કેટલાક પ્રભાવશાળી પરિવારના બાળકોને પાકિસ્તાનની મેડિકલ અને એન્જિનિયરીંગ કોલેજમાં દાખલો અપાવવાની આડમાં તેમના પાસેથી મોટી રકમ પણ મેળવે છે. પૈસાનો મોટો હિસ્સો આતંકવાદી અને અલગાવવાદીગતિવિધિઓ માટે ખર્ચ થાય છે.

અલગાવવાદી નેતા નઈમ ખાનના ઘરની તલાશી દરમિયાન કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા. દસ્તાવેજો એક કાશ્મીરી વિદ્યાર્થીને પાકિસ્તાનમાં એમબીબીએસના અભ્યાસ માટે પ્રવેશ અપાવવાની ભલામણ સંબંધિત હતા. તેમાં વિદ્યાર્થી માટે તે અને તેનો પરિવાર પાકિસ્તાનના સમર્થક છે અને કાશ્મીરની આઝાદી માટે સંકલ્પબદ્ધ છે તેમ જણાવવામાં આવેલું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર કેસને ધ્યાનમાં લીધો હતો અને તપાસ એજન્સીને સમગ્ર નેટવર્ક વિરૂદ્ધ કાર્યવાહી કરવા કહ્યું હતું. ત્યારથી જમ્મુ કાશ્મીરથી ગુલામ કાશ્મીર કે પાકિસ્તાનમાં એમબીબીએસ કે એન્જિનિયરીંગનો અભ્યાસ કરવા માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

(12:00 am IST)