Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

ભારતને મળેલી તમામ ટેકસ છૂટ ખતમ કરી શકે છે અમેરિકા

ભારતના ઊંચા ટેકસને આડેહાથ લેતા ટ્રમ્પે કહ્યું કે તેઓ પણ ભારતના સામાન પર ખૂબ ઊંચો ટેકસ લગાવવા માંગે છે

વોશિંગ્ટન તા. ૫ : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યુ છે કે તેઓ ભારત સાથે વેપારમાં ૫.૬ બિલિયન યૂએસ ડોલરની નિકાસ પર ટેકસ ફ્રીની સુવિધા બંધ કરવા માંગે છે. બંને દેશ વચ્ચે થયેલા કરાર પ્રમાણે અમેરિકા તરફથી ભારતને આપવામાં આવેલી આ રાહત છે.

સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં અનેક અમેરિકન ઉત્પાદનો પર લગાવવામાં આવતા ઊંચા ટેકસની પણ ટીકા કરી છે. ભારતના ઊંચા ટેકસને આડેહાથ લેતા ટ્રમ્પે કહ્યું કે તેઓ પણ ભારતના સામાન પર ખૂબ ઊંચો ટેકસ લગાવવા માંગે છે.

ટ્રમ્પે સંસદીય નેતાને લખેલા પત્રમાં કહ્યુ કે, 'હું આ પગલું એટલા માટે ઉઠાવી રહ્યો છું, કારણ કે અમેરિકા અને ભારત વચ્ચે ગાઢ સંબંધો પછી પણ ભારતે સંયુકત રાષ્ટ્રને એવું આશ્વાસન નથી આપ્યું કે તે અમેરિકન સામાનને ભારતના બજારમાં યોગ્ય પહોંચ આપશે.'

મેરિલેન્ડના કન્ઝર્વેટિવ પોલિટિકલ એકશન કોન્ફરન્સ(સીપીએસી)માં અમેરિકન રાષ્ટ્રપ્રમુખે સવાલ કર્યો કે, 'શું ભારત અમને મુર્ખ સમજે છે?ે ટ્રમ્પે કહ્યુ કે તેઓ એવું જણાવવા માંગે છે કે આખું વિશ્વ અમેરિકાનું સન્માન કરે છે. અમે એક દેશને પોતાના સામાન પર ૧૦૦ ટકા ટેકસ છૂટ આપીએ અને આપણા એ જ સામાન પર અમને કંઈ જ ન મળે, આવી વ્યવસ્થા હવે નહીં ચાલે.'

ભારતની વેપાર તેમજ આયાત-નિકાસ નીતિ અંગે મોટું પગલું ભરતા અમેરિકાએ પોતાની ઝીરો ટેરિફ નીતિને ખતમ કરવા માટે છઠ્ઠી ફેબ્રુઆરીએ મંથન શરૂ કર્યું હતું. આ નીતિ અંતર્ગત ભારતમાંથી આવક કરવામાં આવતા સામાન પર ટેકસ નથી લેવામાં આવતો.

જનરાલાઇઝડ સિસ્ટમ ઓફ પ્રિફરેન્સ (જીએસપી) અંતર્ગત ભારતને ટેકસમાં છૂટ મળી છે. આશરે ૫.૬ અબજ ડોલર (૪૦ હજાર કરોડ) રૂપિયાનો સામાન કે જેની અમેરિકામાં નિકાસ કરવામાં આવે છે તેના પર ટેકસ છૂટ આપવામાં આવે છે. ૧૯૭૦માં બનાવવામાં આવેલી આ યોજનાનો લાભ મેળવતો ભારત વિશ્વનો સૌથી મોટો દેશ છે.

(10:33 am IST)