Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

યુરિનમાંથી ખાતર બનાવીશું તો ઇમ્પોર્ટ નહીં કરવું પડે : ગડકરી

નાગપુર તા. ૫ : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પેશાબમાંથી યુરિયા બનાવવાનો અનોખો આઈડિયા આપ્યો છે. તેમણે કહ્યું કે, જો આપણે આખા દેશમાં પેશાબ એકત્ર કરવાનો શરૂ કરી દઈએ તો વિદેશમાંથી યુરિયા ઈમ્પોર્ટ કરવાની જરૂર નહીં પડે. તેનાથી બાયોફલુઅલ પણ બની શકે છે. ગડકરીએ કહ્યું કે, 'મેં એરપોર્ટસ પર પેશાબને એકત્ર કરવા કહ્યું છે. આપણે યુરિયા આયાત કરીએ છીએ. પણ જો આપણે સમગ્ર દેશમાં પેશાબ એકત્ર કરવાનો પ્રારંભ કરીએ તો આપણે યુરિયા આયાત કરવાની જરૂર નહીં પડે. તેમાં એટલી ક્ષમતા છે કે કંઈપણ નષ્ટ નહીં થાય.'

નાગપુર કોર્પોરેશનના મેયર ઈનોવેશન અવોર્ડ કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા તેમણે એક ઉદાહરણ આપતા કહ્યું કે, કઈ રીતે પ્રાકૃતિક કચરાથી બાયો-ઈંધણ બનાવાયું. તેમણે કહ્યું કે, માનવ મૂત્ર જૈવ-ઈંઘણ બનાવવામાં પણ ઉપયોગી બની શકે છે અને તેનો ઉપયોગ અમોનિયમ સલ્ફેટ અને નાઈટ્રોજન મેળવવામાં કરી શકાય છે.

ગડકરીએ જણાવ્યું કે, તે મનુષ્યોના વાળમાંથી નીકળતા અમીનો એસિડમાંથી ખાતર બનાવીને વિદેશોમાં વેચે છે. નાગપુરમાં એટલા વાળ નથી મળતા, એટલે દર મહિને તિરૂપતિથી ૫ ટ્રક વાળ ખરીદે છે. દુબઈ સરકાર પાસેથી તેમને ૧૮૦ કન્ટેનરનો ઓર્ડર પણ મળ્યો છે.

(10:29 am IST)