Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

જમ્મુ - કાશ્મીર ટુરિઝમને અંદાજે ૧૦૦ કરોડનું નુકસાન

ટુર ઓપરેટરોની નો ટુ કાશ્મીર નીતિથી ધરતી પરના સ્વર્ગ માટે માઠા દિવસોઃ પ્રવાસીઓ પણ સ્થાનિક કાશ્મીરીઓના ત્રાસવાદીઓ સાથેના સંબંધોથી નારાજ : સબક મળવો જ જોઇએ

નવી દિલ્હી તા. ૫ : ધરતી પરનું સ્વર્ગ ગણાતું કાશ્મીર સહેલગાહે જવા માટે ભારતીય પ્રવાસીઓની સૌથી પહેલી પસંદ છે. એમાં ગુજરાતીઓ અગ્રેસર હોય છે. મુંબઈથી દર વર્ષે એક અંદાજ મુજબ ૨૫,૦૦૦થી વધુ પ્રવાસીઓ જમ્મુ-કાશ્મીરની સહેલગાહે જાય છે. જોકે નેશન ફર્સ્ટની ઝુંબેશ સાથે શહેરના ટૂર-ઓપરેટરોની નો ટુ કાશ્મીરની નીતિ અપનાવવાની જાહેરાતને શહેરના ગુજરાતી પ્રવાસીઓએ બહોળો પ્રતિસાદ આપ્યો છે. જમ્મુ-કાશ્મીર ટૂરિઝમને એક અંદાજ મુજબ ૧૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડશે. ઉનાળાના આગામી વેકેશન દરમ્યાન નહીંવત્ પ્રમાણમાં પ્રવાસીઓએ કાશ્મીરની ટૂરમાં રસ દાખવ્યો છે. ટૂર-ઓપરેટરોનું કહેવું છે કે જમ્મુ જઈશું, લેહ-લદ્દાખ જઈશું; પણ કાશ્મીર નહીં જઈએ.

ઉલ્લેખનીય છે કે ૧૪ ફેબ્રુઆરીએ બપોરે પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના આંતકવાદીઓએ CRPFના કાફલા પર હુમલો કરીને ૪૦ જવાનોનાં મૃત્યુ નિપજાવવાની ઘટનાને પગલે ભારત સહિત દુનિયાભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

શહેરના ટૂર-ઓપરટરોની નો ટુ કાશ્મીર ઝુંબેશ વિશે કાશ્મીરની ટૂરનું આયોજન કરતા કેટલાક ટૂર-ઓપરેટરો સાથે સીધી વાત કરી હતી અને એમાં ચોંકાવનારી હકીકતો જાણવા મળી હતી.

છેલ્લાં ૩૫ વર્ષથી જમ્મુ-કાશ્મીરની ટૂરનું આયોજન કરતા ટૂર-ઓપરેટર જેમ્સ ટૂર્સનાં ડિરેકટર આશિતા પારેખે જણાવ્યું હતું કે 'અમે નેશન ફર્સ્ટની ઝુંબેશ અંતર્ગત અમે આતંકવાદીઓને પ્રોત્સાહન આપતા લોકોને સબક શીખવવા અને પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને અમે આગામી એક પણ ટૂરનું આયોજન કાશ્મીરની કરવાના નથી. અમે ચલાવેલી નો ટૂ કાશ્મીરની ઝુંબેશને શહેરના મોટા ભાગના ટૂર-ઓપરેટરોએ એકઅવાજે સમર્થન આપ્યું છે. અમે કાશ્મીરીઓના વિરોધી નથી, પરંતુ ભારત માતાના લાલ સમાન જવાનો પર સતત હુમલાની પરાકાષ્ઠાને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે. જમ્મુ અને લેહ-લદ્દાખ જેવાં સ્થળોએ જવામાં અમને કોઈ વાંધો નથી. અમારા આ નિર્ણયથી અમારી કંપની અંદાજે ૧૨ કરોડ રૂપિયાનો બિઝનેસ જતો કરશે.'

નિસર્ગ અને ટ્રિયા શિકારાનાં ડિરેકટર પદ્મિની દેઢિયાએ એક વાતચીતમાં કહ્યું હતું કે '૨૦ વર્ષથી અમે કાશ્મીરની ટૂરનું આયોજન કરીએ છીએ, પરંતુ પુલવામાની ઘટના બાદ અમે કાશ્મીરની એક પણ ટૂર આગામી દિવસોમાં લઈ જવાના નથી. અમે ગયા ડિસેમ્બરમાં છેલ્લે કાશ્મીરની ટૂરનું આયોજન કર્યું હતું. ત્યાર બાદ ઉનાળાના વેકેશન માટે પણ અમે જાહેરાત આપી હતી, પરંતુ હાલની ઘટનાઓને ધ્યાનમાં રાખીને અમે કાશ્મીરની ટૂરનું બુકિંગ બંધ કરી દીધું છે.'

હિના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના પાર્ટનર પ્રભુલાલ જોષીએ કહ્યું હતું કે 'અમે આગામી સમર વેકેશનમાં કાશ્મીરની ટૂર લઈ જવાના છીએ, પરંતુ દર વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓનો ઉત્સાહ ઘણો ઓછો છે. આમ તો છેલ્લાં ત્રણ વર્ષથી ક્રમશઃ  પ્રવાસીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે. પહેલાં અમે ૭૦૦૦ સહેલાણીઓને લઈ જતા હતા. હવે વર્ષે ૧૦૦૦ સુધી થઈ ગયા છે. અમે છેલ્લે ફેબ્રુઆરીમાં જમ્મુ-કાશ્મીરની ટૂર લઈ ગયા એ સમયે જ પુલવામાની ઘટના બની હતી અને ૨૦ મિનિટ પહેલાં જ અમારી મિની બસ ૧૦ પ્રવાસીઓ અને બે ગાઇડ સાથે પસાર થઈ ગઈ હતી.'

શહેરના અને ગુજરાતના અનેક ટૂર-ઓપરેટરોએ નો-કાશ્મીર ઝુંબેશને ટેકો આપ્યો છે. એને કારણે આગામી વર્ષમાં જમ્મુ-કાશ્મીર ટૂરિઝમને એક અંદાજ મુજબ ૧૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડશે.

(10:25 am IST)