Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

બેંકોએ ૩૮ ડિફોલ્ટર્સના રૂ. ૫૧૬ કરોડ નાહી નાખ્યા

નહીં ચૂકવાયેલી કુલ લોનમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો હિસ્સો આશરે ૨૭ ટકા જેટલોઃ ૧,૭૬૨ જેટલા વિલફુલ ડિફોલ્ટર્સ પાસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ રૂ. ૨૫,૧૦૪ કરોડની રકમ વસૂલવાની બાકીઃ પંજાબ નેશનલ બેંકે ૧,૧૨૦ વિલફૂલ ડિફોલ્ટર્સ પાસેથી રૂ. ૧૨,૨૭૮ કરોડની રકમ વસૂલવાની બાકી

નવી દિલ્હી તા. ૫ : ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન જાહેર ક્ષેત્રની બેન્કોએ જાણી જોઈને લોનની રકમની ચૂકવણી નહીં કરાનાર ડિફોલ્ટર્સના રૂ. ૫૧૬ કરોડની રકમ માંડી વાળી હતી તેમ નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડામાં દર્શાવાયું છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન વિલફુલ ડિફોલ્ટર્સના ૩૮ લોન એકાઉન્ટ્સને બેન્કના હિસાબોમાંથી રદ્દ કરાયા હોવાનું નાણાં મંત્રાલયના આંકડામાં દર્શાવાયું છે. .

 

બેન્ક દ્વારા આ પ્રકારના એકાઉન્ટ માટે તેની આવકમાંથી ૧૦૦ ટકા રકમની જોગવાઈ કરી દેવાતા બેન્કની બેલેન્સશીટમાંથી એનપીએ દૂર થઈ જાય છે જેને બેન્કિંગની પરિભાષામાં લોન માંડવાળ કરવી અથવા રાઈટ ઓફ કરવી કહે છે. જોકે લોન માંડવાળ કરવાને કારણે બેન્કના કાર્યકારી નફામાં ધોવાણ થતું હોવાને લીધે તેની બેલેન્સશીટ પર દબાણ સર્જાય છે..

જાણી જોઈને લોનની ચૂકવણીમાં નાદારી નોંધાવવાના કિસ્સાઓમાં રકમની વસૂલાતની શકયતા લગભગ નહીંવત હોવાથી ભવિષ્યમાં તે લોનને રાઈટ-બેક કરવાની સંભાવના પણ સાવ ઓછી રહે છે. વિલફુલ ડિફોલ્ટર અથવા ઈરાદાપૂર્વક લોનની ચૂકવણી નહીં કરનાર એવી વ્યકિત છે જેણે લોનની રકમનો ઉપયોગ નિર્ધારિતને બદલે અન્ય હેતુ માટે કર્યો હોય અથવા તો ચૂકવવાની ક્ષમતા હોવા છતાં લોનની ભરપાઈ ના કરી હોય, અથવા તો આ લોન પેટે ગિરવે મૂકેલી અસ્કયામતો તેણે વેચી દીધી હોય. .

બેન્કો માટે લોન લેતી વખતે વિલફૂલ ડિફોલ્ટર દ્વારા દર્શાવાયેલી કેટલીક અસ્કયામતોના વેચાણ દ્વારા થોડીક રકમની રિકવરી કરવી શકય બને છે. મોટાભાગના કિસ્સાઓમાં લોનની રકમની તુલનાએ રિકવરીની રકમ ઘણી ઓછી હોય છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ૨૦૧૫માં આપેલા નિર્દેશમાં બેન્કોને લોન લેનારાઓ અથવા ગેરન્ટર્સ વિરુદ્ઘ જરૂર પડે કાનૂની કાર્યવાહી કરવા તથા રકમની વસૂલાત માટે તેની પર પ્રતિબંધ મુકવા જણાવ્યું હતું. એટલું જ નહીં ઈરાદાપૂર્વક લોનની ચૂકવણી નહીં કરનારાઓ વિરુદ્ઘ બેન્કો ફોજદારી કાર્યવાહી પણ કરી શકશે. માર્ચ,૨૦૧૭ના અંતે વિલફુલ ડિફોલ્ટર્સ દ્વારા જાહેર ક્ષેત્રની બેન્કોની નહીં ચૂકવાયેલી કુલ લોનમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો હિસ્સો આશરે ૨૭ ટકા જેટલો હતો. આશરે ૧,૭૬૨ જેટલા વિલફુલ ડિફોલ્ટર્સ પાસે સ્ટેટ બેન્કે રૂ. ૨૫,૧૦૪ કરોડની રકમ વસૂલવાની બાકી છે. આ યાદીમાં બીજા ક્રમે રહેલી પંજાબ નેશનલ બેન્કે ૧,૧૨૦ વિલફુલ ડિફોલ્ટર્સ પાસેથી રૂ.૧૨,૨૭૮ કરોડની રકમ વસૂલવાની બાકી છે. સંયુકતપણે આ બંને બેન્કોની લોનની બાકી રકમની વસૂલાતનો આંક રૂ. ૩૭,૩૮૨ કરોડ જેટલો છે જે કુલ બાકી લોનના ૪૦ ટકા જેટલો છે. ૮,૯૧૫ વિલફુલ ડિફોલ્ટર્સે જાહેર ક્ષેત્રની બેન્કોની રૂ.૯૨,૩૭૬ કરોડની લોનની ચૂકવણી કરી નથી.(૨૧.૧૨)

(11:40 am IST)