Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

ડોનાલ્ડ ટ્રમ્પ ઉશ્કેરાયા અને દેશમાં કટોકટી લાદવાની ચિમકી આપી

ટ્રમ્પે અમેરિકાની પ્રતિનિધિ સભાની અધ્યક્ષ નેન્સી પેલોસી પર અત્યંત અક્કડ વલણ રાખવા અને ખરાબ રાજનીતિ કરવાનો પણ આરોપ લગાવ્યો છે

વોશિંગટન,તા.૫: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઘુસણખોરોને પ્રવેશતા અટકાવવા અને દક્ષિણ મેક્સિકોની સરહદ પર દિવાલ બનાવવા માટે નાણા એક્ઠા કરવા માટે દેશમાં કટોકટી લાદવાની તૈયારી કરી લીધી છે. દેશમાં કટોકટી લાદી દીધા બાદ ટ્રમ્પ કોંગ્રેસની મંજૂરી લીધા વગર જ દિવાલ ઊભી કરવાની દિશામાં આગળ વધી શકશે અને સાથે જ તેમને આપત્તિ રાહત ફંડનો ઉપયોગ દક્ષિણ મેક્સિકોની સરહદ પર દિવાલ ઊભી કરવા માટે કરવાની સત્તા પણ મળી જશે.

ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ સીબીએસ ન્યૂઝના 'ફેસ ધ નેશન' નામના કાર્યક્રમમાં જણાવ્યું કે, સરહદીય સુરક્ષાના મુદ્દે વિરોધ પક્ષ ડેમોક્રેટ સાથે વાટાઘાટો માત્ર સમયનો વેડફાટ છે. સાથે જ તેમણે અમેરિકન પ્રતિનિધિ સભાની અધ્યક્ષ નેન્સી પેલોસી પર પણ અત્યંત અક્કડ વલણ રાખવા અને ખરાબ રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.

ટ્રમ્પે જણાવ્યું કે, *મારું માનવું છે કે તે ઘણી જ અક્કડ છે, જેની મને આશા પણ હતી- મારું માનવું છે કે તે દેશ માટે ખરાબ છે.*ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, *નેન્સી જાણે છે કે કોઈ પણ એક અડચણ ઊભી કરનારો વ્યક્તિ હોવો જોઈએ. સાથે જ તે જાણે છે કે અમે સરહદીય સુરક્ષા પ્રત્યે ઘણા જ ચિંતિત છીએ. તેમ છતાં મૂળ સ્વરૂપે તે ખુલ્લી સરહદની તરફેણ કરી રહ્યાં છે, તેમને માનવ તસકરીની જરા પણ ચિંતા નથી.*

ટ્રમ્પે જણાવ્યું કે, *પેલોસી આ દિવાલના મુદ્દે પોતાનું વલણ પકડી રાખીને દેશ પર અબજો ડોલરનો બોજો નાખી રહી છે. તે અમેરિકાને ભયંકર નુકસાન પહોંચાડી રહી છે.*તેમણે જણાવ્યું કે, *અમારી નજરો કટોકટી તરફ છેે, કેમ કે મને નથી લાગતું કે આ મુદ્દે કોઈ સ્પષ્ટ નિર્ણય લઈ શકાશે. મને એમ લાગે છે કે, ડેમોક્રેટ સરહદી સુરક્ષા ઈચ્છતા નથી. હું જ્યારે તેમને એવું બોલતા સાંભળું છું કે, આ દિવાલનો ન્યાયની વિરુદ્ધ છે અને દિવાલોથી સમસ્યાનું સમાધાન થવાનું નથી, ત્યારે મને લાગે છે કે તેઓ ખોટો માર્ગે જઈ રહ્યાં છે.* આ મુદ્દે પેલોસીની ઓફિસે ટ્રમ્પ પર ખોટું નિવેદન આપવાનો આરોપ લગાવ્યો છે. (૯.૧૧)

 

 

(3:13 pm IST)