Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

દેશની વિવિધ પોસ્ટ ઓફિસોમાં રૂ. ૯૦૦૦ કરોડ લાવારિસ

કોઇ દાવેદાર નથી : 'સાયલન્ટ' તરીકે ઓળખાય છે રકમ

નવી દિલ્હી તા. ૫ : દેશની પોસ્ટ ઓફિસોમાં પડેલા ૯,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમનું કોઈ દાવેદાર નથી. આ રકમ એટલી છે કે કેન્દ્ર સરકાર જો તેમાં ૬૦૦ કરોડ રૂપિયા ઉમેરી દે તો તેનાથી અવકાશયાન પ્રોજેકટનું ફન્ડિંગ કરી શકાય છે.

આ રકમ પોસ્ટની છ સ્મોલ સેવિંગ્સ સ્કીમો- કિસાન વિકાસ પત્ર, મંથલી ઈનકમ સ્કીમ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, પબ્લિક પ્રોવિડન્ડ ફંડ, રિકરિંગ ડિપોઝિટ અને ટાઈમ ડિપોઝિટમાં પડ્યા છે. કુલ રકમ ૯,૩૯૫ કરોડ રૂપિયા છે.

પોસ્ટલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું કહેવું છે કે, બેંકો પોતાને ત્યાં લાવારિસ પડેલા રૂપિયાને અનકલેમ્ડ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે છે અથવા તો ડિપોઝિટ અવરનેસ એન્ડ એજયુકેશન ફંડ (ડીઈએએફ)માં મૂકી દે છે, જેના દ્વારા જમાકર્તાઓ માટે ફાઈનાન્શિયલ લિટ્રેસી પ્રોગ્રામનું સંચાલન કરવામાં આવે છે. પરંતુ, બેંકોની જેમ પોસ્ટ ઓફિસ એ રૂપિયાનો એ રીતે ઉપયોગ નથી કરી શકતી. આ ખાતાઓમાં પડેલા લાવારિસ રૂપિયાને અનકલેમ નહીં, પરંતુ સાઈલન્ટ કહેવામાં આવે છે.

પશ્વિમ બંગાળની પોસ્ટ ઓફિસોમાં સૌથી વધુ ૧,૫૯૧ કરોડ રૂપિયા (૧૭%), દિલ્હીમાં ૧,૧૧૨ કરોડ રૂપિયા (૧૨%) તથા પંજાબમાં ૧,૦૩૪ કરોડ રૂપિયા (૧૧%) લાવારિસ પડ્યા છે. તે ઉપરાંત ઉત્તર પ્રદેશની પોસ્ટ ઓફિસોમાં ૮૦૦ કરોડ રૂપિયા, મહારાષ્ટ્રમાં ૭૨૭ કરોડ રૂપિયા, કર્ણાટકમાં ૨૫૯ કરોડ રૂપિયા અને ગુજરાતમાં ૫૩૮ કરોડ રૂપિયા લાવારિસ પડ્યા છે.(૨૧.૩)

(10:13 am IST)