Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

સુનંદા કેસમાં ૨૧મીએ વધુ સુનાવણી હાથ ધરવા નિર્ણય

શશી થરુરની મુશ્કેલી વધે તેવા સ્પષ્ટ સંકેતો : થરુર સાથે જોડાયેલા મામલાની સુનાવણી સેશન કોર્ટમાં કરાશે : સહકાર આપવા માટેની અપીલ કરવામાં આવી

નવી દિલ્હી, તા. ૪ : કોંગ્રેસના સાંસદ શશી થરુરની સુનંદા પુષ્કર મોત મામલામાં મુશ્કેલીઓ વધી રહી છે. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે કેસને સેશન કોર્ટને સોંપી દીધો છે. હવે શશી થરુર સાથે જોડાયેલા મામલામાં સેશન કોર્ટમાં સુનાવણી થશે. સ્વામી દ્વારા કોર્ટમાં સુનાવણીમાં સહકાર કરવાની અપીલ કરવામાં આવી હતી પરંતુ કોર્ટે તેમની અરજી પર કોઇ સુનાવણી કરી ન હતી અને આ અરજીને ફગાવી દીધી હતી. હવે શશી થરુરની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. આ કેસમાં સુનાવણી ૨૧મી ફેબ્રુઆરીના દિવસે હાથ ધરવામાં આવનાર છે. ૨૦૧૪માં સુનંદા પુષ્કર દિલ્હીમાં એક ફાઇવ સ્ટાર હોટલમાં મૃત હાલતમાં મળી આવી હતી. શરૂઆતમાં તેને આત્મહત્યા માનવામાં આવી હતી. આ મામલામાં શરૂઆતથી જ ભાજપના નેતા સુબ્રમણ્મયમ સ્વામી હત્યાનો દાવો કરી રહ્યા હતા. કોર્ટે હાલમાં આ મામલાની સુનાવણી ૨૧મી ફેબ્રુઆરી નક્કી કરી છે. શશી થરુરને સુનંદા પુષ્કર મોત મામલામાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આરોપી તરીકે ગણ્યા છે. કોર્ટે ચાર્જશીટના આધાર પર થરુરને આત્મહત્યા માટે પ્રેરિત કરવાના આરોપી તરીકે ગણીને આદેશ જારી કર્યો છે. દિલ્હી પોલીસે આ સમગ્ર મામલામાં ૩૦૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી દીધી છે. અત્રે નોંધનીય છે કે, આ કેસના સંદર્ભમાં કોંગ્રેસી નેતા દિલ્હી પોલીસ દ્વારા અનેક વખત પુછપરછનો સામનો કરી ચુક્યા છે. કોર્ટે અગાઉની સુનાવણીમાં કહ્યું હતું કે, સુનંદા પુષ્કર મોતના મામલામાં શશી થરુર પર કેસ ચલાવવા માટે પુરતા પુરાવા રહેલા છે. શશી થરુરને હજુ પણ કાયદાકીય ગૂંચનો સામનો કરવો પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. ૨૧મી ફેબ્રુઆરીના દિવસે થનારી સુનાવણી ઉપર હવે તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. શશી થરુર હાલમાં મોદી સરકાર સામે આક્ષેપબાજી કરીને નવા વિવાદ જગાવી રહ્યા છે.

 

(12:00 am IST)