Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

અમિત શાહે કહ્યું 'બેરોજગાર રહેવા કરતા કોઈ યુવાન પકોડા વેચે તે સારૂ' : રાજયસભામાં પ્રથમ સંબોધન કરતા ભાજપ અધ્યક્ષ

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને રાજયસભાના સાંસદ અમિત શાહે આજે રાજયસભામાં પોતાનું પ્રથમ સંબોધન આપ્યું હતું. તેમણે કહ્યું કે હું ગરીબ પરિવારમાંથી નથી આવ્યો પરંતુ ગરીબી જોઈ છે. આ દરમ્યાન અમિત શાહે વડાપ્રધાન મોદીને પકોડા વેચવાના નિવેદન પર પક્ષ મુકતા જણાવ્યું હતું કે દેશમાં યુવાનો બેરોજગાર રહે તેના કરતા પકોડા વેચે તે સારું કામ છે. તેમાં કોઈ નાનપ અનુભવવાની જરૂર નથી.

અમિત શાહે વધુમાં જણાવ્યું કે ભાજપ સરકારનો મોટાભાગનો સમય વિરાસતમાં મળેલા ખાડાને પૂરવામાં જ ગયો છે. તેમણે ભાજપ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. તેમણે વધુમાં કહ્યું કે વર્ષ ૨૦૧૩માં દેશની જે સ્થિતિ હતી તેને આજે યાદ કરવાની જરૂર છે. દેશમાં વિકાસની ગતિ મંદ હતી. દેશમાં મહિલાઓ તે સમયે સુરક્ષિત ન હતી. સીમા પર સુરક્ષા કરનારા જવાન સરકારની અનિર્ણયકતા લીધે કશું જ કરી શકતા ન હતા.

અમિત શાહે કહ્યું જે ૭૦ વર્ષની આઝાદી બાદ ૧.૫ કરોડ પરિવારો પાસે ગેસની સગડી ન હતી. અમે ૩ કરોડથી વધુ પરિવારોને ગેસ કનેકશન ઉપલબ્ધ કરાવ્યા છે. અમારો લક્ષ્ય ૮ કરોડ ગેસ કનેકશન આપવાનો છે. જેમાં ૧૩ ટકા અનુસૂચિત જાતી અને ૧૩ ટકા અનુસુચિત જનજાતિની મહિલાઓને આપવાનો લક્ષ્ય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ૩૦ વર્ષ બાદ દેશમાં પ્રથમવાર ગેરકોંગ્રેસી સરકાર સંપૂર્ણ બહુમત સાથે આવી છે. ભાજપને બહુમત મળ્યો છે. તેમ છતાં અને એનડીએની આગેવાની સરકારની રચના કરી છે. જયારે પણ સદનમાં વડાપ્રધાન મોદીને નેતા પસંદ કરવામાં આવ્યા હતા ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે આ સરકાર ગરીબોની સરકાર હશે. આ સરકાર ગાંધી અને પંડિત દિનદયાળના સપનાઓને પૂર્ણ કરશે.

(6:18 pm IST)