Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

હવે પાકિસ્તાનના ગાભા - છોતરા કાઢવા ભારતીય સૈન્યની તૈયારી

ગઇકાલે ૪ સૈનિકો શહીદ થયા બાદ ભારત હવે આક્રમક મુડમાં: પલટવારનું કાઉન્ટડાઉનઃ પાકિસ્તાનની ખો ભુલાવી દેવા સૈન્યએ કમ્મર કસીઃ સરહદે પાકિસ્તાનના એકધારા કાંકરીચાળાઃ એલઓસી પાસેની ૮૪ શાળાઓ ૩ દિવસ માટે બંધઃ હવે ફાઇનલ ઇલાજ માટેની જોરશોરથી તૈયારી

નવી દિલ્હી તા.પ : જમ્મુ-કાશ્મીર સરહદે પાકિસ્તાન સતત સંઘર્ષ વિરામનો ભંગ કરી રહ્યુ છે. પાકિસ્તાનની નાપાક હરકતનો અંત દેખાતો જ નથી. ગઇકાલે પાકિસ્તાને કરેલા ફાયરીંગ, એન્ટી ટેન્ક મિસાઇલ અને નાના મિસાઇલ હુમલામાં સેનાના કેપ્ટન કપિલ કુંડુ સહિત ચાર સૈનિકો શહીદ થયા હતા. એન્ટી ટેન્ક મિસાઇલનો ઉપયોગ બંકરો ઉડાવી દેવા માટે થાય છે. પાકિસ્તાનની આ હરકત બાદ ભારતીય સેનાએ વળતી કાર્યવાહી કરી છે જેમાં પાકિસ્તાનની ચોકીઓને ભારે નુકસાન થયુ છે. સેનાના એક પ્રવકતાએ કહ્યુ છે કે ભારતીય સૈનિકોને શહાદત બેકાર નહી જાય. કોઇપણ કારણ વગર પાક. સેના તરફથી થઇ રહેલા ફાયરીંગનો જડબાતોડ જવાબ અપાશે. સેનાના નિવેદનથી સંકેત મળે છેે કે આવતા દિવસોમાં પાકિસ્તાન ઉપર આક્રમક કાર્યવાહી થશે. ગઇરાત્રે પણ પાકિસ્તાને ગોળીબાર ચાલુ રાખ્યો હતો.

સીમાપારથી થઇ રહેલા ફાયરીંગને ધ્યાનમાં રાખીને સેનાએ બોર્ડરના વિસ્તારની ૮૪ સ્કુલોને ત્રણ દિવસ માટે બંધ કરવાની જાહેરાત કરી છે. રાજૌરીના ડે.કમિશ્નર શાહીદ ઇકબાદ ચૌધરીએ કહ્યુ છે કે સુંદરબનીથી લઇને મંજાકોટ વચ્ચે એલઓસીથી પ કિ.મી.ના દાયરામાં આવેલી ૮૪ સ્કુલોને અમે બંધ કરવાના આદેશ આપ્યા છે. રાજૌરી જિલ્લાના ભીંબર ગલી સેકટરમાં પાક.ના ફાયરીંગમાં કુંડુ ઉપરાંત ત્રણ અન્ય જવાનો શહીદ થયા હતા.

છેલ્લા ૪૦ દિવસમાં ગુડગાંવના કેપ્ટન કુંડુ પાક. ફાયરીંગમાં શહીદ થનાર બીજા સૈન્ય ઓફિસર છે. ભીંબર ગલી સેકટર ઉપરાંત પાકિસ્તાને સુંદરબની વિસ્તારમાં પણ સીઝફાયરનો ભંગ કરતા ફાયરીંગ કર્યુ હતુ જેમાં બીએસએફના એક સબ ઇન્સ્પેકટરને ઇજા થઇ હતી. સૈન્ય ઓફિસરના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન તરફથી કારણ વગર ગઇ બપોરે ૩-૩૦થી ફાયરીંગ થઇ રહ્યુ છે.

ટીવી રિપોર્ટ અનુસાર જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદીઓના સફાયાથી પાકિસ્તાન ઉકળી ઉઠયુ છે અને એલઓસી પર મોટો હુમલો કરવામાં આવે તેવી શકયતા છે. આઇએસઆઇ ત્રાસવાદીઓ સાથે મળીને આવો હુમલો કરાવી શકે છે.

પાકિસ્તાને ર૦૧૭માં ૮૬૦થી વખત યુધ્ધ વિરામનો ભંગ કર્યો છે. આ વર્ષે જ ૧૬૦થી વધુ વખત આવુ કર્યુ છે. લોકોમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે હવે કયાં સુધી આપણા જવાનો પાકિસ્તાનની ગોળીઓ ખાઇને શહીદ થતા રહેશે. આખરે કયા સુધી આપણે એવુ જ લખતા બતાડતા રહેશું કે ભારતે પલટવાર કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. સરહદ પર પાકિસ્તાન બેલગામ બની ગયુ છે અને હવે સમય આવી ગયો છે કે, ભારતે એવો જવાબ આપવાની જરૂર છે કે પાકિસ્તાન ખો ભુલી જાય. પાકિસ્તાન સતત પોતાની કાયરતા બતાડી રહ્યુ છે અને દર વખતે છુપાઇને ભારતીય જવાનો ઉપર નિશાન સાધતુ રહ્યુ છે.

આ વર્ષે આ સેકટરમાં સંઘર્ષ વિરામના ઉલ્લંઘનમાં અત્યાર સુધી નવ જવાનો સહિત ૧૭ લોકોના મોત થયા છે અને ૭૦ લોકોને ઇજા થઇ છે. (૩-૩)

 

(12:46 pm IST)