Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

અંકુશરેખા ઉપર પાકિસ્તાનનો ભીષણ ગોળીબાર : ૪ શહીદ

ભીષણ ગોળીબારના કારણે વિસ્ફોટક સ્થિતિ : પાકિસ્તાન ગોળીબારમાં અન્ય બે જવાન ઇજાગ્રસ્ત થયા

જમ્મુ, તા.૪ : નવી દિલ્હી જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં અંકુશરેખા ઉપર પાકિસ્તાને આજે ફરી એકવાર ભીષણ ગોળીબાર અને તોપમારો કર્યો હતો જેમાં ચાર જવાનો શહીદ થયા હોવાના અહેવાલો મળ્યા છે. અન્ય બે જવાનો ઘાયલ પણ થયા છે. પાકિસ્તાની સૈનિકોએ રાજૌરી જિલ્લાના ભીમબર્ગ ગલી સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કરીને ભીષણ ગોળીબાર કર્યો હતો. સામ સામે ગોળીબારમાં ભારતીય પક્ષને ખુવારીનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ પાકિસ્તાની સેનાએ પૂંચ અને રાજૌરી જિલ્લામાં અગ્રિમ ચોકીઓ અને ગામોને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કર્યો હતો જેમાં લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. બંને દેશોએ એકબીજા ઉપર દોષારોપણ કર્યા છે. પાકિસ્તાનનું કહેવું છે કે, ભારતના ગોળીબારમાં તેના કેટલાક નાગરિકોને ઇજા થઇ છે.

આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને વારંવાર ગોળીબાર જારી રાખ્યો છે. ૧૮મી જાન્યુઆરીથી લઇને ૨૨મી જાન્યુઆરી વચ્ચેના ગાળામાં પુચ અને રાજોરી જિલ્લામાં અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહહ પર વારંવાર ગોળીબાર કર્યો છે.ય જેના કારણે સરહદી વિસ્તારમાં વ્યાપક અંધાધુંધી રહી છે.  જમ્મુ, કથુઆ, અને સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર વારંવાર ગોળીબાર કર્યો છે. જેમાં આઠ નાગરિક સહિત ૧૪ લોકોના મોત થયા છે અને ૭૦ લોકો ઘાયલ થયા પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો કોઇ ભંગ કરાયો નથી તેવો દાવો પણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો છે. બીજી બાજુ ૨૨મી જાન્યુઆરી બાદથી આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર પાકિસ્તન તરફથી હજુ સુધી કોઇ યુદ્ધવિરામનો ભંગ કરાયો ન હતો પંરતુ આજે ફરી એકવાર અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. કારણ કે, પાકિસ્તાને ફરી એકવાર ગોળીબાર કરીને તંગદિલી સર્જી હતી. સરહદી વિસ્તારોમાં લોકોમાં વ્યાપક દહેશત પણ ફેલાઈ ગઈ હતી.

(9:11 am IST)