Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

જાપાનમાં રહેતા પાકિસ્તાનીઓના મૃતદેહ દફન કરવાને બદલે અગ્નિદાહ અપાતા વિવાદ

છેલ્લાં 6 મહિનામાં આવું બીજી વખત બન્યું કે મુસ્લિમ વ્યકિતને અગ્નિદાહ આપી દેવાયો : પીએમ ઇમરાનખાનને રજૂઆત કરાઈ

જાપાનમાં રહેતા પાકિસ્તાની લોકોના જાપાની રીતે અંતિમ સંસ્કારં કરાઈ રહ્યા છે. છેલ્લાં 6 મહિનામાં આવી 2 ઘટના સામે આવી છે. આ વાતને લઇને જાપાનમાં રહેતા મુસ્લિમ સમાજે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને રજૂઆત કરી છે કે આ બાબતે તેઓ જાપાન સરકાર સાથે વાત કરે. જાપાનમાં મુસ્લિમના મૃતદેહને દફન કરવાને બદલે અગ્નિદાહ આપી દેવમાં આવ્યો હતો.

જાપાનમાં પાકિસ્તાનના એક વ્યકિતના મૃતદેહના અગ્નિ સંસ્કાર કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે. મુળ પાકિસ્તાનના લાહોરમાં રહેતા વ્યકિતનું થોડા દિવસ પહેલાં જાપાનમાં મોત થયું હતું. જાપાનના સ્થાનિક અધિકારીઓએ એ મુસ્લિમ વ્યકિતને દફનાવવાને બદલે તેને અગ્નિદાહ આપ્યો હતો. છેલ્લાં 6 મહિનામાં આવું બીજી વખત બન્યું કે મુસ્લિમ વ્યકિતને અગ્નિદાહ આપી દેવામાં આવ્યો હોય. આ વાતથી જાપાનમાં રહેતા મુસ્લિમો નારાજ થયા છે.

પાકિસ્તાનની અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ ધ ન્યૂઝના જણાવ્યા મુજબ જાપાનમાં જેમને તાજેતરમાં અગ્નિદાહ આપવામાં આવ્યો તે વ્યકિતનું નામ રાશિદ ખાન હતુ અને તેમની 50 વર્ષની ઉંમર હતી. તેમને કોઇ બાળકો નહોતા. રાશીદ ખાનની પત્ની જાપાનીઝ હતી અને તેનો પાકિસ્તાની કે કોઇ પણ મુસ્લિમ સંગઠન સાથે સંપર્ક નહોતો.

આ આખી ઘટના ત્યારે સામે આવી જયારે રાશિદનો એક નજીકનો મિત્ર મલિક નૂર અવાને જયારે હોસ્પિટલના મેનેજમેન્ટનો સંપર્ક કર્યો ત્યારે ખબર પડી કે રાશિદનું મોત થઇ ગયું છે અને જાપાનીઝ રિતરિવાજ પ્રમાણે તેના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે.

રાશિદનો અગ્નિદાહ કરીને અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો તે વાતથી જાપાનમાં રહેતા મુસ્લિમ સમાજના લોકો નારાજ થયા છે. સોશિયલ મીડિયા પર પણ કેટલાંક લોકોએ નારાજગી જાહેર કરી છે. તેમણે ઇમરાનખાનને પણ રજૂઆત કરી છે કે આ બાબતે જાપાન સરકાર સાથે વાતચીત કરે.

જાપાનમાં 99 ટકા મૃતદેહોને અગ્નિદાહ આપીને જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મુસ્લિમ સમાજના લોકોનું કહેવું છે કે ઇસ્લામમાં અગ્નિદાહને મનાઇ ફરમાવવામાં આવી છે. ઇસ્લામમાં મૃતદેહોને દફન કરવાની જ પરંપરા છે.

જાપાનમાં કબ્રસ્તાનની સંખ્યા એકદમ ઓછી છે, એવામાં મુસ્લિમ સમાજના લોકોને તેમના રિતીરિવાજ મુજબ મૃતદેહોને દફનાવવામાં મુશ્કેલી પડી રહી છે. જાપાનમાં કબ્રસ્તાન બનાવવા સામે કોઇ પ્રતિબંધ નથી, પરંતુ જાપાનના સ્થાનિક લોકો કબ્રસ્તાન બનાવવા સામે વિરોધ કરતા રહે છે.

(12:39 am IST)