Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

નાના એવા મરઘીના બચ્ચાં માટે એક મહિલાએ અડધી ટિકિટ લેવી પડી :52 રૂપિયા ચુકવવા પડ્યા

કર્ણાટકમાં ચોંકાવનારી ઘટના : કંડક્ટરની નજર મહિલા પાસે રહેલા મરઘીના બચ્ચાં પર પડતાં તેની પણ અડધી ટિકિટ લેવા માટે કહ્યું: સમજાવ્યો છતાં ના માન્યો અને કહ્યું કે બસમાં સવારી કરનારા દરેક જીવની ટિકિટ લેવી ફરજિયાત

કર્ણાટકના શિમોગા ખાતેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજ્ય સડક પરિવહન નિગમ (KSRT)ની બસના કંડક્ટરે એક મહિલા સાથે તેણે ખરીદેલા મરઘીના બચ્ચાંની પણ ટિકિટ ફાડી હતી. એક નાના એવા મરઘીના બચ્ચાં માટે તે મહિલાએ 52 રૂપિયા ચુકવવા પડ્યા હતા.

કર્ણાટક રાજ્ય સડક પરિવહન નિગમની બસમાં એક મહિલા પોતાના પરિવારના અન્ય 2 સદસ્યો સાથે મુસાફરી કરી રહી હતી.તેણે વ્યક્તિ દીઠ 101 રૂપિયા લેખે ટિકિટ માટે કુલ 303 રૂપિયા ચુકવ્યા હતા પરંતુ કંડક્ટરની નજર મહિલા પાસે રહેલા મરઘીના બચ્ચાં પર પડતાં તેની પણ અડધી ટિકિટ લેવા માટે કહ્યું હતું.

કંડક્ટરની આ વાત સાંભળીને બસમાં રહેલા અન્ય લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. તેમણે કંડક્ટરને સમજાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે માન્યો નહોતો. કેએસઆરટીના સ્ટાફે કારણ આપતા કહ્યું કે, બસમાં સવારી કરનારા દરેક જીવની ટિકિટ લેવી ફરજિયાત છે અને માટે જ મહિલાએ મરઘીના બચ્ચાંની પણ ટિકિટ લેવી પડશે.

લાંબા સમય સુધી ચાલેલા વિવાદ બાદ આખરે મહિલાએ તે બચ્ચાંની પણ અડધી ટિકિટ લેવી પડી હતી જેના માટે 52 રૂપિયા પણ ચુકવવા પડ્યા હતા. નવાઈની વાત એ છે કે, મરઘીનાં તે બચ્ચાંની કિંમત માત્ર 10 જ રૂપિયા હતી. મહિલાએ પોતાના ઓળખીતા લોકોને આ ઘટના અંગે જણાવ્યું હતું અને ત્યાર બાદ આ સમગ્ર બનાવ ચર્ચાનો વિષય બન્યો છે. તે મહિલાએ મરઘીનાં બચ્ચા સાથે તેની ટિકિટનો ફોટો પણ શેર કર્યો હતો.

(12:33 am IST)