Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

મહારાષ્ટ્રમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : 26 હજારથી વધુ કેસ નોંધાયા:એકલા મુંબઈમાં વિક્રમી 15166 પોઝિટિવ કેસ

મહારાષ્ટ્ર અને મુંબઈ મહાનગરમાં કોરોનાના કેસોમાં તેજીથી રાજ્ય સરકારની ચિંતા વધી ગઈ

મુંબઈઃ સમગ્ર દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર અને મુંબઈ મહાનગરમાં કોરોનાના કેસોમાં તેજીથી રાજ્ય સરકારની ચિંતા વધી ગઈ છે. બુધવારે મહારાષ્ટ્રમાં 26538 નવા કોરોના દર્દીઓ નોંધાયા હતા, જ્યારે રાજ્યમાં કોરોના ચેપને કારણે 8 લોકોના મોત થયા હતા.

બીજી તરફ મેટ્રોપોલિટન મુંબઈમાં બુધવારે કોરોનાના 15166 નવા કેસ નોંધાયા હતા, જેમાંથી 1218 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે જ્યારે 80ને ઓક્સિજન આપવું પડ્યું છે.

નોંધનીય છે કે આ સમયે સમગ્ર વિશ્વ સહિત ભારતમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ઓમિક્રોન વેરિઅન્ટને કોરોના કેસની સંખ્યામાં આ ઉછાળાનું કારણ માનવામાં આવે છે. બુધવારે ભારતમાં કોરોના વાયરસના નવા કેસોમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 55.4 ટકાના ઉછાળા સાથે કોવિડ-19ના 58,097 નવા કેસ નોંધાયા છે. આ સાથે, સંક્રમિતોની કુલ સંખ્યા 35,018,358 પર પહોંચી ગઈ છે.

સક્રિય દર્દીઓની સંખ્યા પણ 2 લાખને વટાવી ગઈ છે. હાલમાં સમગ્ર દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 214,004 છે. એક દિવસમાં 15,389 લોકો કોરોનાથી સાજા થયા છે, અત્યાર સુધીમાં કુલ 34,321,803 લોકોએ કોરોનાને માત આપી છે. દેશમાં રિકવરી રેટ હાલમાં 98.01 ટકા છે.મૃત્યુના આંકડા વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણને કારણે 534 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં કેરળમાં જૂના મૃત્યુઆંક 432 થઈ ગયો છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 482,551 લોકોના મોત થયા છે.

(11:53 pm IST)