Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ચાઈનીઝ સ્માર્ટફોન કંપની પર 653 કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યુટી ચોરીનો આરોપ:વસૂલી માટે નોટીસ જાહેર

અંડરવેલ્યુએશન દ્વારા ડ્યુટીની ચોરીની માહિતી બાદ ડીઆરઆઈએ તપાસ કરતા કસ્ટમ ડ્યુટીની ચોરીનો ખુલાસો

નવી દિલ્હી :  Mi અને Redmi નામની સ્માર્ટફોન બનાવતી કંપની Xiaomi India પર 653 કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યુટીની ચોરીનો મામલો સામે આવ્યો છે. આજે આ સંદર્ભમાં માહિતી આપતા નાણા મંત્રાલયે કહ્યું કે કંપની પાસેથી ફીની માંગ અને વસૂલાત માટે નોટિસ જાહેર કરવામાં આવી છે. આ કેસ 1 એપ્રિલ 2017થી 30 જૂન 2020 વચ્ચેનો છે.

નાણા મંત્રાલયે આજે માહિતી આપી હતી કે ઈન્ટેલિજન્સ ઈનપુટથી જાણવા મળ્યું છે કે કંપની ઓછા મૂલ્યાંકન દ્વારા કસ્ટમ્સ ડ્યુટીને ટાળી રહી છે. માહિતી બાદ ડિરેક્ટોરેટ ઓફ ઈન્ટેલિજન્સે તપાસ શરૂ કરી હતી. ડીઆરઆઈ દ્વારા તપાસ દરમિયાન મળેલા દસ્તાવેજોથી જાણવા મળ્યું છે કે Xiaomi India, કોન્ટ્રેક્ટ હેઠળ Qualcomm USA અને બેઈજીંગમાં Xiaomi Mobile Software Co. Ltd.ને રોયલ્ટી અને લાઈસન્સ ફી મોકલી રહી હતી.

 

આ સંદર્ભમાં Xiaomi India અને તેની સાથે કોન્ટ્રેક્ટ કરવાવાળા ઉત્પાદકોના પ્રમુખોના નિવેદનો રેકોર્ડ કરવામાં આવ્યા હતા, જે દરમિયાન Xiaomi Indiaના એક ડિરેક્ટરે આ ચુકવણીની પુષ્ટિ કરી છે. તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે Xiaomi India દ્વારા ચૂકવવામાં આવેલી “રોયલ્ટી અને લાયસન્સ ફી” Xiaomi India અને તેના કોન્ટ્રાક્ટર દ્વારા આયાત કરવામાં આવેલા માલના વ્યવહાર મૂલ્યમાં ઉમેરવામાં આવી નથી.

ડીઆરઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં વધુમાં જાણવા મળ્યું છે કે Xiaomi India MI બ્રાન્ડના મોબાઈલ ફોન વેચે છે અથવા તો મોબાઈલ ફોન Xiaomi India દ્વારા આયાત કરવામાં આવે છે અથવા Xiaomi Indiaના કોન્ટ્રાક્ટર દ્વારા મોબાઈલ ફોનના ભાગોની આયાત કરીને ભારતમાં એસેમ્બલ કરવામાં આવે છે.

કોન્ટ્રાક્ટમાં સામેલ મેન્યુફેક્ચરિંગ ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત Mi બ્રાન્ડના મોબાઈલ ફોનને કરાર હેઠળ એક્સક્લુઝિવલી Xiaomi Indiaને વેચવામાં આવે છે. DRI દ્વારા તપાસ દરમિયાન એકત્ર કરાયેલા પુરાવા સૂચવે છે કે ન તો Xiaomi India અને ન તો તેના કોન્ટ્રાક્ટરો આપવામાં આવી રહેલી રોયલ્ટીને આયાતી  વસ્તુઓના મુલ્યમાં ઉમેરી રહ્યા હતા. જે કસ્ટમ્સ એક્ટ 1962ની કલમ 14 અને કસ્ટમ વેલ્યુએશન (આયાતી માલના મૂલ્યનું નિર્ધારણ)નું ઉલ્લંઘન છે.

(10:59 pm IST)